ખાસ-ખબર સંવાદદાતા
મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ભાજપના યુવા કાર્યકર વચ્ચે થોડા સમય પૂર્વે મોરબીમાં બનેલ બે જુદી જુદી ઘટનાઓ અંગેની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો હતો જેમા ધારાસભ્ય અમૃતિયાએ કોંગ્રેસમાં કયા હવે ગુંડા રહ્યા છે તેવી વાતચીત કરી હોય મામલો ગરમાયો હતો. આ મામલે ઓડિયો ક્લિપમાં જેમનો અવાજ હતો તે યુવક ફરિયાદી પ્રગ્નેશભાઈ ઉર્ફે રઘો રમેશભાઈ ગોઠી નામના યુવાનને આરોપી અમિત દેવાભાઈ અવાડિયા અને અન્ય સાતથી આઠ શખ્સોએ રવાપર ચોકડી પાસે બે અલગ અલગ કારમાં ધસી આવીને ગત તા. 14 જુલાઈના રોજ ઢોર માર મારતા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ફરિયાદી પ્રગ્નેશભાઈ ઉર્ફે રઘો રમેશભાઈ ગોઠીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની અને ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો કલીપ વાયરલ થયા બાદ આરોપી અમિતભાઈ દેવાભાઈ અવાડિયા અને અન્ય સાતથી આઠ શખ્સો રવાપર ચોકડીએ ધસી આવ્યા હતા અને કહ્યું હતું કે, ઓડિયો કલીપ વાયરલ કરવા અંગે પોતાનું ક્યાંય નામ ન આવવું જોઈએ કહી ધમકી આપી માર માર્યો હતો. આ બનાવ અંગે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રગ્નેશભાઈ ગોઠીની ફરિયાદને આધારે ગુન્હો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.



