22મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર કામગીરીની કરશે સમીક્ષા
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તડામાર તૈયારી શરૂ
- Advertisement -
જંગી જનસભા ઉપરાંત વડાપ્રધાન મોદીનો રોડ શો યોજવા તંત્ર ઊંધા માથે
વરસાદ વિઘ્ન ન બને તે માટે વોટર પ્રુફ જર્મન ટેકનોલોજી નિર્મિત ડોમ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આગામી 27મી જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવનાર છે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થતા વડાપ્રધાન મોદી દ્વારા હીરાસર એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવશે. ત્યારે વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈ બુધવારના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે જુદાજુદા વિભાગની બેઠક પણ મળી હતી. બેઠકના અંતે કલેકટર દ્વારા વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈ જુદી જુદી સમિતિ પણ બનાવવામાં આવી છે. તો સાથે જ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે વડાપ્રધાન મોદીની સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા તૈયારીઓનો દોર શરૂ થઈ ગયો છે. રેસકોર્સ મેદાનમાં ડોમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે આગામી 22 તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટ આવશે અને તમામ કામગીરીની સમીક્ષા કરશે.
- Advertisement -
વડાપ્રધાન મોદી દ્વારા હિરાસર એરપોર્ટ ખાતે લોકાર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ વડાપ્રધાન મોદી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સભામાં હાજરી આપશે. તેઓ રાજકોટ એરપોર્ટથી સભા સ્થળ સુધી એક રોડ શો પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમજ વડાપ્રધાન દ્વારા રેસકોર્સ સભા સ્થળેથી કે.કે.વી બ્રિજ, સૌની યોજનાના વિવિઘ ખાતમુહૂર્ત વડાપ્રધાન હસ્તે કરવામાં આવશે. જેમાં 14 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, કે.કે.વી બ્રિજ 129 કરોડ, સૌની યોજનાના વિવિધના બે હજાર કરોડથી વધુ વિકાસના કામોના ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં જંગી મેદની હાજર રહે તે માટે વહીવટી તંત્ર તેમજ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર એસટી તંત્રને પણ 27 તારીખના રોજ 1000 જેટલી બસ આરક્ષિત રાખવા પણ જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ શહેર ભાજપ સંગઠન તેમજ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મીટીંગ યોજી વડાપ્રધાનના કાર્યક્રમ અંતર્ગત રોડ શો સહિતના કાર્યક્રમો કઈ રીતે યોજવા તે બાબતે પણ હાલ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. ત્યારે હાલ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં વરસાદ વિઘ્ન ન બને તે માટે પણ તંત્ર દ્વારા દ્વારા વોટર પ્રુફ જર્મન ટેકનોલોજી નિર્મિત ડોમ બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે અગાઉ બે જેટલી જનસભા સંબોધી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણી સમયે પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જન સભા યોજાઈ હતી.