વીજગ્રાહકો પાસેથી 25 પૈસા વધુ ફ્યૂઅલ સરચાર્જ વસૂલશે વીજકંપની
અત્યાર સુધી ફ્યૂઅલ સરચાર્જ યુનિટ દીઠ જે રૂ.3.10 વસૂલતી હતી
- Advertisement -
પ્રત્યેક યુનિટ રૂ. 8.54ના જંગી ભાવે પડશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિદ્યુત નિયમન પંચ- ’જર્ક’ દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલને વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટર યાને જુલાઈ-ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં ફ્યૂઅલ સરચાર્જ યુનિટ દીઠ 25 પૈસા વધારે વસૂલ કરવાની મંજૂરી આપી છે. આને કારણે ચારે અધિકારી વીજ વિતરણ કંપનીઓ તેના 1 કરોડ 65 લાખ જેટલા વીજગ્રાહકો પાસેથી અત્યાર સુધી ફ્યૂઅલ સરચાર્જ યુનિટ દીઠ જે રૂ.3.10 વસૂલતી હતી, તે હવે બીજા ક્વાર્ટરથી રૂ.3.35 વસૂલશે. યુનિટદીઠ 25 પૈસાના વધારાને લીધે સરકારી વીજગ્રાહકો ઉપર મહિને રૂ.250 કરોડનું જંગી ભારણ આવશે, જે આખા વર્ષ દરમિયાન રૂ. 3 હજાર કરોડ જેટલું આવશે.
જર્ક દ્વારા જીયુવીએનએલને આ રીતે પ્રવર્તમાન વર્ષમાં પ્રત્યેક ક્વાર્ટરે ફ્યૂઅલ સરચાર્જમાં યુનિટદીઠ 25 પૈસાનો વધારો મળવાનો છે. ખાનગી વીજકંપનીઓને લહાણી કરવા માટે સરકારી વીજમથકો બંધ રાખવામાં આવે છે અથવા તો ઓછી ક્ષમતાએ ચલાવવામાં આવે છે, જે કારણે વીજગ્રાહકોને ભારણ ભોગવવું પડે છે.
- Advertisement -
સરકારી કંપનીઓની વીજળી વાપરતા રહેણાંક કેટેગરીના મહિને 200 યુનિટ વાપરતા ગ્રાહકો ઉપર ફ્યૂઅલ સરચાર્જ રૂ.3.35 થતાં ખૂબ મોટું ભારણ આવશે. તેમને ફિકસ્ડ ચાર્જ પેટે રૂ.70, એનર્જી ચાર્જ પેટે રૂ. 745, ફ્યૂઅલ સરચાર્જ યુનિટ દીઠ રૂ.3.35 લેખે રૂ. 670/- તથા 15 ટકા ઇલેક્ટ્રિસિટી ડયૂટી લેખે રૂ.223 મળીને કુલ રૂ.1708 વીજબિલ ચૂકવવું પડશે, એટલે એમને પ્રત્યેક યુનિટ રૂ. 8.54ના જંગી ભાવે પડશે.