14 સેક્ટર્સની આવકમા ઘટશે જ્યારે 15 કંપનીઓ ધીમો ગ્રોથ નોંધાવશે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય કંપનીઓની આવકમાં એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન 6-8%નો ઘટાડો જોવા મળી શકે છે. સળંગ ચોથા ક્વાર્ટર દરમિયાન કંપનીઓની આવકમાં ઘટાડો જોવા મળી શકે છે તેવી શક્યતા રેટિંગ એજન્સી ક્રિસિલે વ્યક્ત કરી હતી. જો કે નફાકારકતાની દૃષ્ટિએ દેશની કંપનીઓનું માર્જિન ગત વર્ષના 19.6%થી વધીને 20%ની આસપાસ જોવા મળી શકે છે. કોમોડિટીની કિંમતોમાં ઘટાડાને પગલે માર્જિનમાં સુધારો જોવા મળે તેવી શક્યતા છે. હાઇ બેઝને કારણે રેવેન્યૂ ગ્રોથમાં ઘટાડો જોવા મળશે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમા જોવા મળેલા રેવેન્યૂ ગ્રોથ કરતાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેમાં 2%નો ઘટાડો જોવા મળશે. છેલ્લા આઠ ક્વાર્ટરમાં એવું પ્રથમવાર બનશે જ્યારે લિસ્ટેડ કંપનીઓના રેવેન્યૂ ગ્રોથમાં ક્રમિક ઘટાડો જોવા મળશે.
- Advertisement -
ફાઇનાન્સિયલ સર્વિસીઝ અને ઑઇલ-ગેસ સેક્ટર્સને બાદ કરતાં 47 સેકટર્સની 300 કંપનીઓના વિશ્લેષણમાં 14 સેક્ટર્સની આવકમાં ઘટાડો થશે જ્યારે 15 કંપનીઓ ધીમો ગ્રોથ નોંધાવશે તેવી શક્યતા છે.
ધાતુ અને ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીની વૈશ્વિક સ્તરે નબળી માંગ રહી હતી.અહેવાલ અનુસાર ઓછી પ્રાપ્તિ, ધાતુઓ અને ઔદ્યોગિક માલસામાનની વૈશ્વિક માંગ મંદ પડવાથી એલ્યુમિનિયમ, સ્ટીલ, ફેરો એલોય ધાતુઓ અને પેટ્રોકેમિકલ્સના ઉત્પાદકોને ફટકો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય ભાવમાં 18-20% ઘટાડો અને વોલ્યુમમાં ધીમી વૃદ્ધિને કારણે એલ્યુમિનિયમ ઉત્પાદકોની આવકમાં 14-16% ઘટાડો થવાની ધારણા છે.છેલ્લા નાણાકીય વર્ષ 2022-23ના ઊંચા આધાર અને પ્રાપ્તિમાં ઘટાડાને કારણે સ્ટીલ ઉત્પાદનોની આવકમાં 6-8%નો ઘટાડો થઈ શકે છે.