ટ્રક પાછળ ઘૂસેલી ફોર્ચ્યુનર 3 કિ.મી. સુધી ઢસડાઈ હતી !
ચાર બહેનના એકના એક ભાઈના મોતથી જાડેજા પરિવારમાં કલ્પાંત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-જામનગર હાઈવે પર તરઘડી નજીક થયેલા અકસ્માતમાં શહેરના કાલાવાડ રોડ પર આવેલા નોકઆઉટ ગેમ ઝોનના માલીક પુષ્પરાજસિંહ જાડેજાનું આ ગંભીર અકસ્માતમાં ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રક પાછળ ગેમ ઝોનના માલિકની ફોચ્ર્યુનર કાર ઘૂસી ગયા બાદ ટ્રક ચાલકને આ અકસ્માતનો ખ્યાલ પણ આવ્યો ન હતો અને ત્રણ કિલોમીટર સુધી આ ફોચ્ર્યુનર કાર ટ્રકની પાછળ ઢસડાઈ હતી. બાદમાં આ અકસ્માતની જાણ થતાં ટ્રક ચાલકે ટ્રક રોકયો હતો. જોકે અકસ્માતમાં આશાસ્પદ ગરાસીયા યુવાન અને ચાર બહેનના એકના એક ભાઈનું મોત થયું હતું. જે બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
રાજકોટનાં વાવડી ગામે રહેતા અને વાવડી ગામના જ વતની કાલાવાડરોડ પર નોકઆઉટ ગેમ ઝોન ચલાવતાં પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.25) નામનો યુવાન ગઈકાલે રાત્રે પોતાની ફોચ્ર્યુનર કાર ચલાવીને રાજકોટથી જામનગર હાઈ-વે પર આવેલા શિવશક્તિ હોટલે નાસ્તો કરવા જતો હતો ત્યારે તરઘડી નજીક આગળ જઈ રહેલા ટ્રકે અચાનક બ્રેક મારતાં રોકાયો હતો અને પુરપાટ ઝડપે પાછળ આવતી પુષ્પરાજસિંહની ફોચ્ર્યુનર કાર ધડાકાભેર ટ્રક પાછળ અથડાઈ હતી. ટ્રક ચાલકે અચાનક બ્રેક માર્યા બાદ પાછળ ફોચ્ર્યુનર કાર ઘુસી ગઈ હોવાની તેને જાણ પણ થઈ નહીં અને તેણે પોતાનો ટ્રક આગળ હંકારી મુકયો હતો. ટ્રકની પાછળ ઘૂસી ગયેલી ફોચ્ર્યુનર કાર ત્રણ કિલોમીટર સુધી ઢસડાતી ગઈ હતી અને અંતે આ ટ્રક ચાલકને અકસ્માતની જાણ થતાં ટ્રક રોકી દીધો હતો.
- Advertisement -
આ ભયાનક અકસ્માત અંગે અન્ય વાહન ચાલકોએ વાહન થોભાવી 108ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં 108નો સ્ટાફ તથા પડધરી પોલીસ રાજકોટ જામનગર હાઈવે પર જ્યાં ફોચ્ર્યુનર કાર થોભાવવામાં આવી તે સ્થળે પહોચીં હતી. તપાસ કરતાં અંદર બેઠેલા ફોચ્ર્યુનર કારના ચાલક વાવડીના પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને મૃત જાહેર કરાયા હતાં. આ બનાવ અંગેની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રાજકોટના કાલાવડ રોડ પર નામાંકીત નોકઆઉટ ગેમ ઝોન ચલાવતાં પુષ્પરાજસિંહનું અકાળે અકસ્માતમાં મોત થયાની જાણ થતાં તેમનું બહોળુ મિત્ર વર્તુળ તથા પરિવારજનો સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે દોડી આવ્યા હતાં. પડધરી પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં અને મિત્રોની પુછપરછમાં જાણવા મળ્યું કે ગઈકાલે રાત્રે પુષ્પરાજસિંહ જાડેજા પોતાની ફોચ્ર્યુનર કાર જી.જે.22 પી. 77 ચલાવીને રાજકોટથી શિવશક્તિ હોટલે નાસ્તો કરવા નીકળ્યા હતાં અને આ અકસ્માત સર્જાતા તેમનું મોત થયું હતું.
ચાર બહેનના એકના એક ભાઈના અકાળે મોતથી પરિવારમાં ઘેરો શોક
રાજકોટ જામનગર હાઈ-વે પર ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા આશાસ્પદ ગરાસીયા યુવાન પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાના મોતથી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. પુષ્પરાજસિંહના પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી તેમના ઉપર હતી. મૃતક પુષ્પરાજસિંહ ચાર બહેનોના એકના એક ભાઈ હતાં. બહોળુ મિત્ર વર્તુળ ધરાવતાં કાલાવાડ રોડ પાસે નોકઆઉટ ગેમ ઝોન ચલાવતાં પુષ્પરાજસિંહ ગઈકાલે સાંજ સુધી મિત્રો સાથે પોતાના ગેમ ઝોન ખાતે જ હાજર હતાં. રાત્રે મિત્રો સાથે છુટા પડયા બાદ પોતે શિવશક્તિ હોટલ ખાતે નાસ્તો કરવા જતાં હોવાનું મિત્રોએ જણાવ્યું હતું. પુષ્પરાજસિંહ અને તેના મિત્રોને એ સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે પુષ્પરાજસિંહની આ મુલાકાત તેમની આખરી મુલાકાત બની જશે. નાસ્તો કરવા શિવશક્તિ હોટલે પહોંચે તે પૂર્વે જ પુષ્પરાજસિંહને કાળ આંબી ગયો હતો અને ટ્રક પાછળ ફોચ્ર્યુનર કાર ઘુસી જતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. આ ઘટનાથી પરિવારજનો અને મિત્રોમાં શોક વ્યાપી ગયો છે.