-જુનાગઢ, કચ્છના કલેકટરો સાથે વાતચીત કરી
ગુજરાતમાં જુનાગઢ, જામનગર, કચ્છ, નવસારી સહિત અર્ધોડઝન જીલ્લાઓમાં અતિ ભારે વરસાદને પગલે રાજય સરકાર એલર્ટ થઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાત્રે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને જુદા-જુદા જીલ્લાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જનજીવન પર કોઈ પ્રભાવ ન પડે કે લોકોને મુશ્કેલી ન થાય તેની કાળજી લેવાની સુચના આપી હતી.
- Advertisement -
ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર આવતી કાલે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ છતાં જિલ્લા તંત્ર વાહકોને સતર્ક રહેવા સૂચનો કર્યા હતા મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે મોબાઈલ ફોન દ્વારા વાત કરીને સમગ્ર જિલ્લામાં થયેલા ભારે વરસાદ તેમજ વિસાવદર તાલુકાના ગામોમાં ભરાયેલા પાણી, લોકોના સ્થળાંતર ની જરૂરિયાત વગેરે ની પણ માહિતી લીધી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં, ખાસ કરીને જામનગર, જુનાગઢ, કચ્છ જિલ્લામાં વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મોડી રાત્રે મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ અને કચ્છ જિલ્લા કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને વાહન… pic.twitter.com/fGW2yUDcUO
- Advertisement -
— CMO Gujarat (@CMOGuj) June 30, 2023
ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના અંજારમાં પડેલા વરસાદ અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે કલેકટર સાથે વાત ચીત કરી હતી. અંજારમાં તળાવ છલકાવા તેમજ અંજાર નજીક નો ડેમ ઓવરફલો થવાની સ્થિતિ માં માર્ગો પર પાણી ભરાવા ને કારણે વાહન વ્યવહાર કે જનજીવન ને અસર ના પડે તે માટે પણ મુખ્ય મંત્રીએ જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું હતું.
આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છ જામનગર જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં એન ડી આર એફ ની ટીમો એમ કુલ 4 ટીમો જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે. એસડીઆરએફની બે ટીમ જૂનાગઢ અને જામનગરમાં મોકલી દેવાઈ છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામકે ગુજરાત માં દર વર્ષે ચોમાસામાં આ સમયે પડતા વરસાદ કરતા ઘણો વધુ વરસાદ પડ્યો છે તેની વિગતો બેઠકમાં આપી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, રાહત કમિશ્ર્નર આલોક પાંડે સહિતના સીનીયર અધિકારીએ બેઠકમાં જોડાયા હતાં.