પ્રકાશ પર્વ તરીકે જાણીતા દિવાળીના રંગે અમેરિકનો રંગાઈ રહ્યાં છે. ઘણા સમયથી માગ હતી કે અમેરિકામાં દિવાળીની રજાઓ જાહેર કરવામાં આવે ત્યારે હવે એક મોટા શહેરે સ્કૂલોમાં દિવાળીની રજાઓ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. ન્યૂયોર્કમાં રહેતા ભારતીય ડાયસ્પોરાની સંસ્કૃતિને મહત્વ આપતા અહીંના પ્રશાસને દિવાળીને સ્કૂલો માટે જાહેર રજાઓની યાદીમાં સામેલ કરી છે. શહેરના મેયર એરિક એડમ્સે સોમવારે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે શહેરમાં દક્ષિણ એશિયન અને ભારતીય કેરેબિયન સમુદાયોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે કર્યું એલાન
ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે સોમવારે રજા અંગે ટ્વીટ કર્યું હતું. એરિકે કહ્યું કે, રોશનીના તહેવાર દિવાળી પર હવે ન્યૂયોર્ક સિટીની સ્કૂલો બંધ રહેશે. દિવાળીની રજા નક્કી કરવામાં એસેમ્બલી મેમ્બર જેનિફર રાજકુમાર સહિત સમાજના અન્ય નેતાઓએ મને મદદ કરી હતી. એડમે વધુમાં કહ્યું હતું કે તમને બહારની વ્યક્તિ માનવામાં આવશે નહીં. ન્યૂયોર્ક દરેક માટે છે. તમે ક્યાંથી આવો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. ન્યૂયોર્ક એસેમ્બલીની સભ્ય જેનિફર રાજકુમારે ટ્વીટ કરીને લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
ન્યૂયોર્કની સ્કૂલોમાં મુસ્લિમ તહેવારોની રજા હોય છે
દિવાળીએ રજા જાહેર કરવાના બિલ પર ગવર્નર કેથી હોચુલે હસ્તાક્ષર કર્યા નથી. પરંતુ મેયર કહે છે કે તેમને વિશ્વાસ છે કે રાજ્યપાલ બિલ પર હસ્તાક્ષર કરશે. દિવાળીની રજા કેલેન્ડર પર બ્રુકલિન-ક્વીન્સ ડેનું સ્થાન લેશે. ન્યૂયોર્કની સ્કૂલોમાં વર્ષ 2015થી ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ-ઉલ-અઝહાની રજાઓ મનાવવામાં આવી રહી છે.
અમેરિકી પ્રમુખ પણ વ્હાઈટ હાઉસમાં મનાવે છે દિવાળી
ઉલ્લેખનીય છે કે અમેરિકી પ્રમુખ જો બાયડન પણ ભારતીય સમુદાયના લોકો સાથે વ્હાઈટ હાઉસમાં દિવાળી મનાવતા હોય છે. તેમની અગાઉના પ્રમુખોએ પણ દિવાળીની ઉજવણી કરી હતી. હવે દિવાળીનો રંગ અમેરિકનો પણ ચઢી રહ્યો છે.