ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પરાપીપળિયા ખાતે નવનિર્માણ પામી રહેલી એઈમ્સ ખાતે ઈન્ડોર હોસ્પિટલ કાર્યરત કરવા છેલ્લા ઘણા સમયથી આરોગ્ય મંત્રી દ્વારા તડાપીટ બોલાવવામાં આવી રહી છે. ત્યારે હવે સૌરાષ્ટ્રના દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે અને સાથે આગામી સપ્ટેમ્બરના અંતમાં એઈમ્સ ખાતે 250 બેડની ઈન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે તેમ ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ ડો. પુનિત અરોરાએ જણાવ્યું હતું.
ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યું કે અત્યાર સુધીમાં એઈમ્સમાં જાન્યુઆરી 2022થી ઓપીડી સુવિધા જ હતી ત્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાંથી આવતા ગરીબ દર્દીઓ માટે ઈન્ડોર વિભાગ વહેલામાં વહેલી તકે શરૂ થાય તે માટે આરોગ્યમંત્રીએ સતત સૂચન કર્યું હતું. જેના કારણે અગાઉ ઓક્ટોબર- નવેમ્બરમાં એઈમ્સ ખાતે ઈન્ડોર હોસ્પિટલ કાર્યરત કરવાની જાહેરાત કરાયા બાદ મુખ્ય બિલ્ડિંગના બાંધકામમાં એજન્સીએ ગતિ લાવતા હવે સપ્ટેમ્બરમાં 250 બેડની હોસ્પિટલ ચાલુ કરાશે.
- Advertisement -
આ હોસ્પિટલમાં જનરલ સર્જરી, માઈનોર ઓટી, સગર્ભાની પ્રસુતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીની સારવાર સહિતની સ્પેશિયલ સારવાર મળશે.આ સિવાય એમઆરઆઈ, સીટી સ્કેન, હાઈ રેન્જ ડિજિટલ એક્સરે મશીનની સુવિધા ઉપલબ્ધ કરાશે. જેમાં એમઆરઆઈ મશીનનું ઈન્સ્ટોલેશન શરૂ કરી દેવાયું છે અને તે
2 મહિનામાં શરૂ કરાશે.
સૌરાષ્ટ્ર તેમજ કચ્છના લોકોને થશે ફાયદો
ડિજિટલ એક્સ-રેની સેવા રૂ. 150માં મળશે : એઇમ્સમાં હાલમાં ઓપીડીની સુવિધા કાર્યરત
હોસ્પિટલમાં ટૂંક સમયમાં જનરલ સર્જરી, માઈનોર ઓટી, સગર્ભાની પ્રસુતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીની સારવાર સહિતની સ્પેશિયલ સારવાર મળશે



