ગોયલ ગ્રુપ તથા શાહ જુથની વડોદરા, કચ્છની ફેકટરીઓ પર સામુહિક દરોડા
ખાસ-ખબર સંવાદદાતા
આવકવેરા વિભાગે ગુજરાતમાં ફરી વખત ઓપરેશન હાથ ધર્યુ હોય તેમ વડોદરાની બે મોટી કેમીકલ ફેકટરીને ઝપટે લીધી છે અને તેના કનેકશનમાં ગાંધીધામના પ્લાન્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે તેમજ દિલ્હી સ્થિત કંપનીઓની ઓફિસો પર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કરોડો રૂપિયાની કરચોરી પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
- Advertisement -
ગુજરાત આવકવેરા ખાતાના ટોચ લેવલના સુત્રોએ જણાવ્યું હતું કે વડોદરામાં નાંદેશ્રી ખાતે કેમીકલ ફેકટરી પર આજે સવારથી આવકવેરા વિભાગ દ્વારા મોટાપાયે દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કેમીકલ ફેકટરીના માલિક શિવપ્રકાશ ગોયલ અને જયપ્રકાશ ગોયલ હોવાનું બહાર આવ્યું છે. તેમની ફેકટરી ઉપરાંત નિવાસસ્થાનો તથા દિલ્હીની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. ગોયલ ગ્રુપના ગાંધીધામના ભીમાસરમાં આવેલા પ્લાન્ટ પર પણ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સિવાય બરોડામાં જ અન્ય એક પ્રકાશ કેમીકલ ગ્રુપ પર પણ દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેના માલિક દિલીપ શાહ અને મનીષ શાહ છે. બંનેના નિવાસસ્થાન ઉપરાંત ફેકટરી તથા દિલ્હી સ્થિત ઓફિસે દરોડા પાડવામાં આવ્યા છે.
માહિતીગાર સુત્રોએ જણાવ્યું હતું કે વડોદરા, કચ્છ અને દિલ્હી સહિત કુલ મળીને 30થી વધુ સ્થળોએ સવારથી અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો અને મોટા પ્રમાણમાં સર્ચ સર્વે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરોડા કાર્યવાહીમાં કરોડો રૂપિયાની કરચોરીનો ખુલાસો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં જ જુદા જુદા સ્થળોએથી શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા જે કબ્જે લેવામાં આવ્યા હતા. ઉપરાંત બેંક લોકરો તથા બેંક ખાતાઓની પણ માહિતી હાથ લાગતા તે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવકવેરા વિભાગમાં છેલ્લા દોઢ બે મહિનાથી પ્રમોશન ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલતી હોવાથી દરોડા કાર્યવાહી અટકી હતી. હવે નવા નાણાંકીય વર્ષનું મહત્વનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
- Advertisement -
એકસાથે બે ગ્રુપને ઝપટે લેવામાં આવતા ગુજરાતભરના વેપાર-ઉદ્યોગકારોમાં ખળભળાટ સર્જાયો છે.