દિલ્હીમાં દૂધ, ફળ અને શાકભાજીના પુરવઠા ઉપર અસર
બ્રિજ ભૂષણની ધરપકડની માંગ સહિતના 25 મુદ્દાની માંગ પર 21 સભ્યોની સમિતિ
ખાસ-ખબર સંવાદદાતા
રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ અને લોન માફી સહિતના અનેક મુદ્દાઓને લઈને ખાપ પંચાયતો દ્વારા આજે હરિયાણા બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ સિવાય દેશની રાજધાની દિલ્હીનું દૂધ અને શાકભાજી બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. 3 દિવસ પહેલા ઝજ્જર જિલ્લાના બહાદુરગઢના મંડોથી ટોલ પ્લાઝા ખાતે આયોજિત જનતા સંસદમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
ખાપ પંચાયતે આ મુદ્દે 18 જુને ભારત બંધનું એલન પણ આપ્યું છે. ખાપ પંચાયતો દ્વારા હરિયાણા બંધના એલાનને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જે જિલ્લાઓમાં બંધની અસર દેખાઈ રહી છે ત્યાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાય. ખાપ, ખેડૂતો ઉપરાંત વિવિધ રાજકીય પક્ષો પણ આજના બંધમાં ભાગ લઈ શકે છે.
- Advertisement -
ખાપ અને કિસાન સંગઠનના એલાન પર હરિયાણામાં બંધની વ્યાપક અસર જોવા મળે છે તો રાજધાની દિલ્હી પર તેની અસર સ્પષ્ટપણે જોવા મળી શકે છે. કારણ કે દરરોજ લાખો મુસાફરો રેલ્વે અને બસ દ્વારા દિલ્હી જાય છે. આટલું જ નહીં, બંધની સાથે જ દિલ્હીમાં પાણી, શાકભાજી અને દૂધનો પુરવઠો રોકવાની પણ વાત કરવામાં આવી છે. જો આજે પણ ખેડૂત આંદોલનની જેમ દૂધ અને શાકભાજીનો પુરવઠો પ્રભાવિત થશે તો દિલ્હીના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 14મી જૂને હરિયાણા બંધ બાદ 18મી જૂને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.
આ માટે ખાપના પ્રતિનિધિઓ, સંગઠનો, બિઝનેસ બોર્ડ અને વિવિધ રાજ્યોના રાજકીય પક્ષોને કોલ કરવામાં આવ્યા છે. 25 મુદ્દાની માંગણીઓને લઈને 21 સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે. 21 સભ્યોની આ સમિતિ એમએસપી, લોન માફી અને બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડના મુદ્દે સરકાર સાથે વાતચીત કરશે.
ખેડૂતોના દેખાવો: દિલ્હી-ચંડીગઢ નેશનલ હાઇવે સતત બીજા દિવસે બ્લોક
સૂર્યમુખીના બીજ માટે ટેકાના ભાવની માગ કરી રહેલા ખેડૂતોઅએ હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના પિપલીમાં મંગળવારે બીજા દિવસે પણ નેશનલ હાઇવે બ્લોક કર્યો હતો.ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) નેતા રાકેશ ટિકૈતે રાજ્ય સરકારને માગ સ્વીકાર કરવા અથવા ખેડૂતોને જેલ મોકલવાની માગ કરી છે.ધરણા સ્થળે હાજર રહેલા ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે સોમવારે જિલ્લા વહીવટી તંત્ર સાથે અનેક વખત મંત્રણા થઇ છે પણ અત્યાર સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. મહાપંચાયતની બેઠક પછી દેખાવકાર ખેડૂતો સોમવાર બપોરથી દિલ્હીને ચંડીગઢથી જોડનારા પિપલીની પાસે નેશનલ હાઇવે-44 અને કેટલાક અન્ય માર્ગોને બ્લોક કરી દીધા છે.