આજથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજથી 2 દિવસ 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જે બાદ પવનની ગતિમાં વધારો થશે.
અરબી સમુદ્રમાં સક્રિય બનેલું ચક્રવાત બિપોરજોય હવે પૂરઝડપે આગળ વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે. આજથી 2 દિવસ 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ પવનની ગતિમાં વધારો થશે. પવનની ગતિ વધીને 50થી 60 કિમી થવાની શક્યતા છે. 13 જૂને પવનની ઝડપ 70 કિમી થવાની શક્યતા છે.
- Advertisement -
અમદાવાદમાં પણ રહી શકે છે વરસાદી માહોલ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. જોકે હવે ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાઇ રહ્યો છે. વાવાઝોડાને કારણે પવનની દિશા બદલાતા ગુજરાતમાં વરસાદ છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. અમદાવાદમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 2 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો થઈ શકે છે.
દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન અને વરસાદી માહોલની અસર રહેશે. બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે નહીં. જોકે, જોકે વાવાઝોડાને કારણે પવન અને વરસાદી માહોલ રહી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
દરિયાકાંઠે હાઈએલર્ટ
સંભવિત વાવાઝોડાનો ખતરાને લઈ દરિયાકાંઠે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ બંદરો પર ભયસૂચક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાનહાનીની ભીતિને ધ્યાનમાં રાખીને શહેરોમાંથી મોટા હોર્ડિંગ ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે. જામનગર જિલ્લાના 22 ગામોના 76 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવા તૈયારી કરવામાં આવી છે. દ્વારકા, વેરાવળ, અમરેલીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.