ખાસ-ખબર સંવાદદાતા
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે ભારતમાં આગામી પાંચ વર્ષમાં 200થી વધુ એરપોર્ટ, હેલિપોર્ટ અને સી પ્લેન હશે અને ભારતીય એરલાઇન્સ આ સમયગાળા દરમિયાન 1,400થી વધુ વધારાના એરક્રાફ્ટનો ઓર્ડર આપશે.
કેન્દ્ર સરકારના નવ વર્ષના કાર્યકાળમાં ઉડ્ડયન ક્ષેત્રમાં થયેલા કામોની માહિતી આપવા માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સિંધિયાએ કહ્યું હતું કે ભારતમાં 2014 સુધી 74 એરપોર્ટ હતા અને હવે આ સંખ્યા વધીને 148 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ભારતમાં 2013-14માં છ કરોડ સ્થાનિક હવાઈ મુસાફરો હતા. હવે આ સંખ્યા 135 ટકા વધીને 14.5 કરોડ થઈ ગઈ છે. તેવી જ રીતે આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોની સંખ્યા 50 ટકા વધીને 4.7 કરોડ થઈ ગઈ છે.
- Advertisement -
સિંધિયાએ આ અંગેની વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે આ સિવાય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઈટમાં માલસામાનનો ટ્રાફિક 65 ટકા વધતા તે 22 લાખ ટનથી 36 લાખ ટન થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રગતિશીલ નીતિઓને કારણે આપણે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયા છીએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે 2014માં ભારતીય એરલાઈન્સ પાસે એરક્રાફ્ટની સંખ્યા 400 હતી જે હવે વધીને 700 થઈ ગઈ છે અને તેમાં 75 ટકાનો વધારો થયો છે. એર ઈન્ડિયાએ 70 અબજ ડોલરમાં 470 એરક્રાફ્ટનો ઐતિહાસિક ઓર્ડર આપ્યો છે. એવી અપેક્ષા છે કે ભારતીય એરલાઇન્સ આગામી પાંચ વર્ષમાં વધારાના 1,200થી 1,400 એરક્રાફ્ટનો ઓર્ડર આપશે તેમ સિંધિયાએ જણાવ્યુ હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રી માહિતી આપતા વધુમાં કહ્યું કે આગામી પાંચ વર્ષમાં એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટર એરપોર્ટની સંખ્યા વધીને 200થી વધુ થઈ જશે તેમજ 2014માં માત્ર ત્રણ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હતા જે હવે 11 વધુ તૈયાર છે અને 10 વધુ મંજૂર કરવામાં આવ્યા છે. એ જ રીતે 2014માં ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં નવ એરપોર્ટ હતા અને તેની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં ઉડ્ડયન ક્ષેત્રમાં એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે અને 2030 સુધીમાં વાર્ષિક ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યા 45 કરોડ થઈ જશે જેમાં વર્તમાન આંકડાથી 300 ટકાનો વધારો થઈ શકે છે. હાલમાં છ મહાનગરોમાંના એરપોર્ટની સંયુક્ત વાર્ષિક ક્ષમતા 22 કરોડ મુસાફરોની છે. નવી મુંબઈ અને ગ્રેટર નોઈડા એરપોર્ટ પર કામગીરી શરૂ થયા બાદ ક્ષમતા લગભગ બમણી થઈને 41.5 કરોડ થઈ જશે.