અગાઉ 2018માં પણ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના શપથવિધી સમારોહમાં વિપક્ષી દળોનાં નેતાઓ સામેલ થયા હતા
કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી વિપક્ષી દળો ઉત્સાહિત: શપથ સમારોહમાં સમાન વિચારધારાવાળી પાર્ટીઓનાં નેતાઓને આપવામાં આવ્યું આમંત્રણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કર્ણાટકમાં શાનદાર જીત બાદ ઉત્સાહીત કોંગ્રેસ હવે બેંગ્લુરૂથી વિપક્ષી એકતાનો સંદેશ આપવાની તૈયારીમાં લાગી ગઈ છે. પાર્ટી સિધ્ધારમૈયા સરકારનાં શપથગ્રહણ સમારોહમાં સમાન વિચારધારાવાળી પાર્ટીઓને બોલાવશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખગડે ટુંક સમયમાં વિપક્ષી દળોનાં નેતાઓને આમંત્રીત કરશે. કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી વિપક્ષી દળો પણ ઉત્સાહીત છે.વિપક્ષી દળોનાં અનેક નેતાઓએ કર્ણાટકમાં જીતને કોંગ્રેસની સાથે સાથે તેને પુરા વિપક્ષની જીત ઓળખાવી છે. કોંગ્રેસ મહાસચીવ કે.સી.વેણુગોપાલે જણાવ્યું હતું કે શપથગ્રહણ સમારોહમાં સમાન વિચારધારાવાળા દળોનાં નેતાઓને આમંત્રીત કરવામાં આવશે. ખરેખર તો પાંચ વર્ષ પહેલા 23 મે 2018 ના એચ.ડી.કુમારસ્વામીએ કોંગ્રેસ જેડીએસ ગઠબંધન સરકારના મુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા હતા.એ સમયે પણ વિપક્ષી દળોના નેતા શપથગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા ને 2019 પહેલાની વિપક્ષી એકતાની તસ્વીર તરીકે જોવામાં આવ્યું હતું પણ બાદમાં એકતા યથાવત નહોતી રહી. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે આ વખતે સ્થિતિ અલગ છે. જોકે કર્ણાટક પહેલા જ વિપક્ષી એકતાની કોશીશ ચાલી રહી છે.આ પરિસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષી દળોનાં નેતાઓના એકઠા થવાથી દેશમાં સારો મેસેજ જશે. વિપક્ષી એકતાને પણ બળ મળશે એટલે પાર્ટીએ વિપક્ષી દળોના નેતાઓને બોલાવવાનો ફેસલો કર્યો છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને બિહારનાં મુખ્યમંત્રી નીતિશકુમાર વિપક્ષી એકતાના પ્રયાસમાં લાગ્યા છે. આ પ્રયાસ અંતર્ગત મુખ્યમંત્રી નીતિશકુમાર ટુંક સમયમાં જ વિપક્ષી દળોના નેતાઓની બેઠક બોલાવવાની તૈયારી છે. કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહમાં છે. પાર્ટીને આશા છે કે કેટલાંક મહિના બાદ યોજાનારી પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થશે.