ઉનાળો આકરો બનતાં જ ગરમીને લગતી બીમારીના કોલ્સ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ પર વધી રહ્યા છે, મે મહિનાના આઠ દિવસમાં ગુજરાતમાં ગરમીના કારણે બેભાન થવા કે ચક્કર આવવાના 8 જ દિવસમાં 1377 કેસ નોંધાયા છે જ્યારે પેટમાં દુ:ખાવની ફરિયાદના 2040 કેસ નોંધાયા છે. એકંદરે આઠ દિવસમાં ગુજરાતમાં 5642 કેસ નોંધાયા છે, જે પૈકી સૌથી વધુ 813 કોલ્સ 8મી મે ના રોજ મળ્યા છે. અમદાવાદ શહેરમાં પહેલી મે થી આઠમી મે સુધીમાં 108ને ગરમીને લગતાં 1364 કોલ્સ મળ્યા છે. ગુજરાતમાં આઠ દિવસમાં જે 5642 કોલ્સ મળ્યા છે તેમાં હિટ સ્ટ્રોકના 9 કેસ નોંધાયા છે, બેભાન થવાના સૌથી વધુ 190 કેસ 8મી મે ના રોજ બન્યા છે, પહેલી મે એ 143 કેસ હતા, હાઈ ફિવરના પહેલી મે એ 114 કોલ્સ આવ્યા હતા, જ્યારે 9મીએ આ કેસની સંખ્યા વધીને 146 થઈ છે.
ઝાડા ઉલટીને લગતાં 1192 કોલ્સ આઠ દિવસમાં મળ્યા છે, સૌથી વધુ 8મી મે ના રોજ 183 કોલ્સ ઝાડા ઉલટીને લગતા મળ્યા છે. અમદાવાદ શહેરમાં મે મહિનાના આઠ દિવસમાં કુલ 1364 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ પેટમાં દુખાવાની 552 ફરિયાદો મળી હતી, ઝાડા ઉલટીને લગતાં 252 કોલ્સ, હાઈ ફિવરના 171 કોલ્સ અને મૂર્છિત કે બેભાન થવાના 357 કોલ્સ મળ્યા હતા. પહેલી મે એ અમદાવાદમાં બેભાન થવાના 40 કોલ્સ હતા, જે 8મી મે એ વધીને 52 થયા હતા.