SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠક શરૂ થઈ અને આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી પણ ભારત પંહોચ્યાં હતા.
ગોવાના પણજીમાં શુક્રવારે વિદેશ મંત્રીઓની SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠક શરૂ થઈ છે. જણાવી દઈએ કે બેઠક પહેલા ભારતીય વિદેશ મંત્રી ડૉ. જયશંકરે SCO સભ્ય દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું અને આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી પણ ભારત પંહોચ્યાં હતા. આ સાથે શુક્રવારે વિદેશ મંત્રીઓની બેઠક પહેલા ભારતીય વિદેશ મંત્રી ડૉ. જયશંકરે પાકિસ્તાની વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું હતું.
- Advertisement -
પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે બનાવી દૂરી
આ દરમિયાન તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીનું પણ સ્વાગત કર્યું હતું પણ બંને નેતાઓ વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે દૂરથી હાથ જોડ્યા અને ફોટો પડાવતી વખતે પણ બંને લગભગ બે ફૂટના અંતરે ઊભા જોવા મળ્યા હતા.
ભારતે બેઠકમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો
SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠક દરમિયાન પોતાના સંબોધનમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પરોક્ષ રીતે પાકિસ્તાનને નિશાન બનાવ્યું હતું. આ વિશે વાત કરતાં જયશંકરે કહ્યું કે આતંકવાદ સતત તબાહી મચાવી રહ્યો છે. અમે દૃઢપણે માનીએ છીએ કે આતંકવાદને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં અને તેને રોકવો જ જોઈએ. આમાં સીમાપારનો આતંકવાદ અને અન્ય તમામ પ્રકારના આતંકવાદનો સમાવેશ થાય છે. SCO બેઠકનો મૂળ ઉદ્દેશ્ય આતંકવાદનો સામનો કરવાનો છે.
અંગ્રેજીને સત્તાવાર ભાષા બનાવવી જોઈએ
આ સાથે જ એસ જયશંકરે એમ પણ કહ્યું કે SCOના સુધારા અને આધુનિકીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારત લાંબા સમયથી માંગ કરી રહ્યું છે કે અંગ્રેજીને SCOની ત્રીજી સત્તાવાર ભાષા બનાવવામાં આવે જેથી અંગ્રેજી બોલતા સભ્ય દેશો વચ્ચે વધુ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ શકે. ભારતે પણ તેની માંગની તરફેણમાં સભ્ય દેશો પાસેથી સમર્થન માંગ્યું હતું.
- Advertisement -
જયશંકર અને બિલાવલે હાથ મિલાવ્યા!
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા ગુરુવારે ગોવા પહોંચ્યા હતા. ગુરુવારે સાંજે SCO સભ્ય દેશોના વિદેશ મંત્રીઓના સન્માનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદેશ મંત્રીઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને નેતાઓએ હાથ મિલાવ્યા પરંતુ તેની તસવીરો સામે આવી નથી. જણાવી દઈએ કે લગભગ 12 વર્ષ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે છે. આ પહેલા વર્ષ 2011માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર ભારતની મુલાકાતે આવ્યા હતા.