વાહનોમાં નુકસાન, અકસ્માત તેમજ મોતના બનાવ બનવા છતાં ગેરકાયદે સ્પીડબ્રેકર બનાવનાર સામે કાર્યવાહી નહિ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદે ખડકાયેલા સ્પીડબ્રેકર તોડવાની ઝુંબેશ શરૂ કરી છે. આ સ્પીડબ્રેકર બન્યાં જ કઈ રીતે તે જ મનપાની સૌથી મોટી બેદરકારી અને નિષ્ફળતા સાબિત કરે છે. કારણ કે, 5 વર્ષ પહેલાં આ મામલે નિયમ બનાવાયો હતો પણ મોટાં માથાંઓએ પોતાના ઘરની આસપાસના મનપાના જ કોન્ટ્રાક્ટરો મારફત બનાવાયેલા સ્પીડબ્રેકર દૂર કરવાની ત્રેવડ મનપાના અધિકારી કે પદાધિકારીઓમાં ન રહેતા આડેધડ ટેકરા બની ગયા અને તેનાથી કોઇ શહેરીજન અકસ્માતગ્રસ્ત બને અને ફરિયાદ કરે ત્યારે છેક મનપાના અધિકારીઓ સ્પીડબ્રેકર તોડવા નીકળી પડે છે જેમાં માનવકલાકો, ડીઝલ અને મશીનરીઓનો વ્યય થાય છે પણ આવા ટેકરા બનાવનારાઓ પાસેથી દંડ કે પછી ટેકરા દૂર કરવાનો ખર્ચ પણ લેવાતો નથી.
મનપાના જ જણાવ્યા અનુસાર શહેરના વોર્ડ નં. 8માં સિલ્વર સ્ટોન મેઇન રોડ, ગુલાબ વિહાર સોસાયટી, દાસીજીવણપરા સહિતના વિસ્તોરમાંથી 17 જેટલા સ્પીડબ્રેકર તોડવામાં આવ્યા છે. ગત સપ્તાહે પણ વોર્ડ નં. 12માં આવી કાર્યવાહી કરાઈ હતી. સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે, આ ટેકરા બની કેવી રીતે જાય છે. 5 વર્ષ પહેલાં દિવ્ય ભાસ્કરે ગેરકાયદે સ્પીડબ્રેકર મામલે તંત્રને જગાવ્યું હતું ત્યારે ખબર પડી હતી કે, સ્પીડબ્રેકર કઈ રીતે બનાવવું તેની ઊંચાઈ કેટલી હોવી જોઈએ તે સહિતની બાબતો માટે કોઇ નિયમ છે જ નહીં.