13થી નાના અને 75 વર્ષથી વધુ ઉંમરનાને સર્ટી નહીં
ખાસ-ખબર સંવાદદાતા
બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો આગામી 30 જૂનથી પ્રારંભ થનાર છે. યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજીયાત કરાયા છે. ત્યારે અમરનાથ યાત્રા જવા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ આગામી સોમવારથી સુરત નવી સિવિલમાં આપવાની શરૂઆત કરવામાં આવશે. જેમાં 13 વર્ષથી નાના અને 75 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને તથા ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાયેલા વ્યક્તિઓને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. અમરનાથના બર્ફીલા દાદાના દર્શન આવનાર 30 જૂનના રોજથી પ્રારંભ થશે. ત્યારે દર વર્ષે અમરનાથ દાદાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જતા હોય છે. બરફની વચ્ચે ઊંચાઈ પર હોવાથી સરકાર દ્વારા જરૂરી ગાઈડલાઈન બનાવવામાં આવી છે. જે અંતર્ગત અમરનાથ યાત્રામાં જનારા યાત્રાળુઓ માટે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાંથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું ફરજિયાત કર્યું છે. ત્યારે સુરત શહેર અને જિલ્લામાંથી અમરનાથના દર્શન કરવા જનારા શ્રદ્ધાળુઓ માટે સિવિલ હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. જેને લઇ 17 એપ્રિલને સોમવારથી સુરત સિવિલ હોસ્પિટલમાં અમરનાથના દર્શન કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરવામાં આવશે. સુરત શહેર અને આસપાસ વિસ્તારોમાંથી દર વર્ષે હજારો યાત્રીઓ દર્શન માટે અમરનાથ જાય છે. ગત વર્ષે 3000થી વધુ યાત્રાળુઓ મેડિકલ ફિટનેસ સર્ટી માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે આ ચાલુ વર્ષે યાત્રીઓના ફિટનેસ સર્ટી માટે સિવિલ હોસ્પિટલ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સરકારની ગાઈડલાઈન અનુસાર ફિટનેસ સર્ટી અપાશે
સરકારની ગાઈડલાઈન પ્રમાણે શ્રદ્ધાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે. જે મુજબ 13 વર્ષથી નાના અને 70 વર્ષથી વધુ ઉંમરના તેમજ સગર્ભા મહિલા, બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોય તેવા લોકોને અમરનાથ યાત્રાના ફિટનેસ સર્ટિફિકેટ માટે દાવેદાર ગણવામાં આવશે નહીં.