સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે રાજકોટ જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન સવારથી જ શરૂ થઇ ચૂક્યું છે. ગામડાઓમાં વહેલી સવારથી જ મતદારોએ મતદાન મથક પર લાંબી લાઇન લગાવી દીધી છે. ત્યારે ગોંડલના બિલિયાળા ગામે જાન માંડવે પહોંચે તે પહેલા વન-કન્યાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપ્યો હતો. બીજી તરફ ગોંડલના દેરડીકુંભાજી ગામમાં દુલ્હન સોળે શણગાર સજી લગ્ન વિધી પહેલા મતદાન કર્યું હતું. ગોંડલના મોવિયા ગામમાં વાસાણી સ્વાતિ અને આરતીએ લગ્ન પહેલા એક સરખો દુલ્હનનો શણગાર સજી લગ્ન વિધી પહેલા મતદાન કર્યુ હતું.

- Advertisement -
દેરડીકુંભાજી ગામમાં દુલ્હન સોળે શણગાર સજી લગ્ન વિધી પહેલા મતદાન કર્યું
રાજકોટ જિલ્લામાં મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદાન
રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો અને 11 તાલુકા પંચાયતની 202 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. કુલ 586 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાએ વીંછિયામાં સવારે 7 વાગ્યે કન્યા પ્રાથમિક શાળામાં પોતાનો મત આપી લોકશાહીના પર્વને ઉજવ્યો છે. તેઓએ સૌ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ગોંડલ તાલુકા શાળા નં.1માં EVM બંધ હોય ઉમેદવાર અને મતદારો રોષે ભરાયા હતા. બાદમાં ટેકનિકલ ખામી દૂર થતા ફરી મતદાન શરૂ થયું હતું.


