કોઠારીયા (રંગાણી)ના અનિલ હેરમાને મુન્નાભાઈની જાનથી મારી નાંખવાની કોશિશ
મુન્નાનાં પિતા-ભાઈએ મારા પિતાની હત્યા કરી હોવાનો કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ: જેનો ખાર રાખી અવાર-નવાર જાનથી મારી નાખવાની ધમકી આપે છે
- Advertisement -
અમે વાડીએ ઘાસનો શેઢો સળગાવ્યો તો મુન્નાએ મને બેફામ ગાળો આપી ધારિયું લઈને મારવા દોડ્યો: અનિલ હેરમા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કોઠારિયા (રંગાણી)ના એક ખેડૂત અનિલભાઈ દેવાભાઈ હેરમાએ મુન્નાભાઈ તેજાભાઈ હાડગરડા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. તેમની અરજીમાં જણાવાયું છે કે, તા.23 ફેબ્રુઆરીના રોજ અમે વાડીમાં આવેલા ઘાસનો શેઢો સળગાવ્યો હતો તો આરોપી મુન્ના હાડગરડાએ આવીને જેમફાવે તેમ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી કે, જેવી રીતે તારા બાપનું ખૂન મારા પિતા અને ભાઈએ કર્યું છે તેવી જ રીતે તારૂં પણ કરી નાખીશ.
આ આરોપી મુન્નાભાઈ હાડગરડા ખૂબ જ માથાભારે અને ઝનૂની સ્વભાવનો છે. અમને 15 દિવસ પહેલા પણ ઝઘડો કરવા માટે વારંવાર ઉશ્કેરણી કરતો હતો. ચાલીને જતા હોય ત્યારે મારી નાખવાના ઈરાદે વાહન માથે ચડાવી દેવાની કોશીશ કરે છે. ત્યારે તા. 23 ફેબ્રુઆરીએ અમે વાડીએ એકલા હતા ત્યારે આવીને અમને જાનથી મારી નાખવાની કોશીશ કરી ધારિયું લઈને પાછળ દોડ્યો હતો. અમે જેમ તેમ અમારો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા. હાલ આરોપીના પિતા અને ભાઈએ મારા પિતાની હત્યા કરેલી છે તે કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેનો ખાર રાખીને વારંવાર મારી પર જાનલેવા હુમલો કરે છે.
- Advertisement -
કેસનો આરોપી મુન્નો ગામના લોકો સાથે પણ નાની નાની બાબતોમાં લોકો સાથે ઝઘડા કરે છે. અમારા પરિવારજનોને સતત તેનાથી ડર લાગી રહ્યો છે. તેથી તાત્કાલિક ધોરણે આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
અરજી મુજબ આરોપીના પિતા તથા તેના ભાઈઓએ અમોના પિતાનું ખુન કરેલ છે અને જેનો કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે તેનો ખાર રાખી આ કામના આરોપીએ અમોને મારી નાખવાના ઈરાદે અમો ઉપર ધારીયા જેવા ધાતક હથીયારથી હુમલો કરેલો હોય પરંતુ અમો ત્યાંથી જેમતેમ અમોની જાન બચાવી ત્યાંથી ભાગી ગયા હતા. તેમના કુટુંબીજનો પણ ખુબ જ માથાભારે અને ઝનુની સ્વભાવના છે. નાની નાની બાબતોમાં ઝઘડાઓ કરી અમારા પરીવારજનોનું મોત નીપજાવે તેવો અમોને સતત ભય રહે છે.
તેથી તાત્કાલીક ધોરણે આ કેસના આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરી ફરીયાદ નોંધવા અરજી કરી છે.