ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધાર્થીએ લાલચ આપી 5 વેપારીઓ સાથે 19.59 કરોડની છેતરપીંડી આચરી
વેપારીઓ પાસેથી ઘઉં, ચોખા, ખાંડ તથા મેંદાના ઓર્ડર સાથે રૂપિયા એડવાન્સમાં લઈ માલ ન ચૂકવ્યો
- Advertisement -
અગાઉ માડાગાસ્કર અને હાલ રાજકોટ રહેતા દંપતી સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ, મુખ્ય આરોપી જતીન અઢીયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર
દંપત્તીએ અલગ અલગ ધંધાના નામે વેપારીઓને કરોડો રૂપિયાના ધુંબા માર્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ તથા અલગ અલગ શહેરોમાં આયાત નિકાસનો વેપાર કરતા વેપારી જતીન અઢીયાએ અલગ અલગ વેપારીઓ પાસેથી ઘઉં, ચોખા, ખાંડ તથા મેંદાનો ઓર્ડર લઈ રૂપિયા એડવાન્સમાં લઈ અમુક વેપારીઓને માલ ન ચૂકવી કુલ 19.59 કરોડની છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે. તેમજ માલના ઓર્ડરના રૂપિયા એડવાન્સમાં લઈ માલ નક્કી કરેલા સ્થળે નહીં પહોંચાડી ખોટી રિસીપ્ટ બનાવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ત્રણ વેપારીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસ દ્વારા આરોપી દંપતી પૈકી પતિને ઝડપી લીધો છે અને તેના 6 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે.
રેસકોર્સ નજીક રહેતા અને 150 ફુટ રીંગ રોડ પર ઓફિસ ધરાવતાં રિકી મુકેશભાઈ પાબારી અને મોહસીન અલી અને રવિ બદીયાણીએ ક્રાઈમ બ્રાંચમાં કરેલી ફરિયાદમાં રાજકોટનાં આલાપ હેરીટેજમાં રહેતા જતીન હરેશભાઈ અઢીયા અને તેની પત્ની ફોરમ અઢીયા તથા તપાસમાં ખુલે તમામનું નામ આપાયું છે. એકસપોર્ટ ઈમ્પોર્ટનું કામ કરતાં રીકી તેમજ મોહસીન અલી અને રવિ બદીયાણી પાસે દંપતીએ વિદેશમાં મોકલવા માટેનો ઓર્ડર આપ્યો હતો. જેમાં રિકી પાબારી પાસે 765 ટન ચોખા જેની કિંમત રૂા.2.66 કરોડ અને 530 ટન ખાંડ કિંમત રૂા.79.18 લાખ છે. તે મળી કુલ 3.59 કરોડનો જથ્થો મંગાવી માલનો ઓર્ડર લઈ ઓર્ડરના રૂપિયા એડવાન્સ લીધા બાદ માલને નિયત સ્થળે પહોંચ્યો ન હતો તેમજ માલનું પેમેન્ટ કરેલ હોવાની ખોટી રિસીપ્ટ પણ બનાવી હતી. રિકી સાથે મોહસીન અલી અને રવિ બદીયાણીને પણ આ દંપતીએ છેતર્યુ હતું.
આ અંગે રિકી તેમજ રાજકોટનાં વેપારીઓએ તપાસ કરતાં જતીન અને ફોરમે મળી રાજકોટ અને ગુજરાત તેમજ અન્ય રાજ્યના કુલ 5 વેપારીઓ સાથે આશરે 19 કરોડ રૂપિયાની ભારતીય ચલણ તેમજ વિદેશી ડોલર અને પાઉન્ડમાં છેતરપીંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન દંપતીએ ગુજરાતભરમાં અનેક વેપારીઓ સાથે કરોડો રૂપિયાનું ચીટીંગ કર્યુ હોવાનું બહાર આવવાની શકયતા દર્શાવાઈ રહી છે. વેપારી સુત્રોના કહેવા મુજબ આ બંટી-બબલીએ અગાઉ પણ અલગ અલગ ધંધાના નામે વેપારીઓ પાસેથી માલ લઈ કરોડો રૂપિયાના ધુંબા માર્યા છે.



