જૂનાગઢનાં જાગૃત નાગરિકને અડધી રાત્રે ફોન કરી ગાળો-ધમકી આપવાનો મામલો
આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયા અને તેનાં પતિ સંજીવ જાવિયાને કોણ બચાવી રહ્યું છે?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયા અને તેના પતિ ડો. સંજીવ જાવિયાના કાળા કરતૂતોની પોલ ખોલનાર જાગૃત નાગરિક વિરલ જોટવાની પુરાવા સાથેની અરજી પરથી ફરિયાદ નોંધવામાં પોલીસની ઉદાસીનતા જોવા મળી રહી છે. વિરલ જોટવાને અડધી રાત્રે ગાળો-ધમકી આપનાર શિલ્પા જાવિયા વિરુદ્ધ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ અરજી કરાઈ છે પણ યેનકેન કારણોસર પોલીસ આ અરજી પરથી ગુનો નોંધવામાં ઠાગાઠૈયા કરી રહી છે. બનાવની વિગત મુજબ આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાએ ડો. જયચંદ્ર રતનપરાની ગેરકાયદે ચાલતી શ્રીજી બેબીકેર હોસ્પિટલના સ્થગિત કરાયેલા એમ.ઓ.યુ.ને ફરી શરૂ કરી દીધા છે. જે હોસ્પિટલને નામદાર કોર્ટ દ્વારા સીલ કરવાનો હુકમ કરવામાં આવેલો છે અને જે હોસ્પિટલના તત્કાલીન આરોગ્ય અધિકારી દ્વારા એમ.ઓ.યુ. સ્થગિત કરવામાં આવેલા છે તે ગેરકાયદે ચાલતી ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલ સાથે નવા નિમણૂંક પામેલા આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાએ પોતાની સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ કરીને બાલસખા યોજના ફરી શરૂ કરાવી છે.
આટલું જ નહીં, શિલ્પા જાવિયાના પતિ ડો. સંજીવ જાવિયા પણ ડો. જયચંદ્ર રતનપરાની જેમ જ ગેરકાયદે હોસ્પિટલ ચલાવી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ હોવા છતાં ડો. સંજીવ જાવિયાની વ્રજ આંખની હોસ્પિટલથી રહેણાંક વિસ્તારમાં ધમધમી રહી છે. શિલ્પા જાવિયા અને સંજીવ જાવિયાના ગેરવહીવટો વિરૂદ્ધ પુરાવાઓ સાથેની એક અરજી વિરલ જોટવાએ સંબંધિત ઊચ્ચ વિભાગ-અધિકારીને કરી હતી. આ અરજી પ્રકાશમાં આવતા શિલ્પા જાવિયાના ભ્રષ્ટ વહીવટની પોલ ખુલી ગઈ હતી અને તેમણે વિરલ જોટવાને અડધી રાત્રે ફોન કરીને ધાક-ધમકી સાથે બેફામ ગાળો આપી હતી. શિલ્પા જાવિયાના ધાક-ધમકી સાથે ગાળો આપતા કોલ રેકોર્ડિંગ વિરલ જોટવાએ જૂનાગઢ પોલીસમાં રજૂ કરી શિલ્પા જાવિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવા અરજી કરી હતી પરંતુ સમગ્ર મામલે પોલીસ શિલ્પા જાવિયાની કાળી કરતૂતોને છાવરવાનો પ્રયાસ કરી રહી હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.