વીડિયો કોન્ફરન્સના માધ્યમથી “ગુડ સમરિટન એવોર્ડ” યોજનાને રી-લોન્ચ કરતા CM ભૂપેન્દ્ર પટેલ
માર્ગ અકસ્માતમાં લોકોને મદદ માટે આગળ આવવા મેયર પ્રદીપ ડવ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને કલેકટર અરુણ મહેશ બાબુનો જનતાને અનુરોધ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સમયસૂચકતા સાથે માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિઓને તુરંત સહાયભૂત અને “ગોલ્ડન અવર”માં હોસ્પિટલ/ટ્રોમા કેર સેન્ટરમાં સારવાર માટે પહોંચાડનાર વ્યક્તિને સન્માનિત કરવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તા.15 ઓકટોબર, 2021 થી 100 ટકા કેન્દ્રીય પુરસ્કૃત “ગુડ સમરિટન એવોર્ડ” યોજના અમલી બનાવવામાં આવી છે. જે અન્વયે રાજ્યભરમાં મુખ્યંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજરોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી “ગુડ સમરિટન એવોર્ડ” યોજનાને રી-લોન્ચ કરવામાં આવી હતી. સાથોસાથ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની વેબસાઈટને પણ લોન્ચ કરવામાં આવી હતી. આ અવસરે માર્ગ અકસ્માતમાં ઘવાયેલા લોકોને સમયસૂચકતા સાથે હોસ્પિટલ પહોંચાડીને જીવ બચાવનાર કુલ 9 લોકોને “ગુડ સમરિટન” પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વીડિયો કોન્ફરન્સમાં રાજકોટ ખાતેથી મેયર પ્રદીપભાઈ ડવ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને જિલ્લા કલેકટર જોડાયા હતા. ધારાસભ્ય દર્શિતાબેન શાહે કહ્યું હતું કે, લોકોના જીવ બચાવવાનું કામ પુણ્યનું કામ છે અને સરકારની “ગુડ સમરિટન એવોર્ડ” યોજનાની જાણકારી જનમાનસ સુધી પહોંચે તે રીતે પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગ અને આર. ટી.ઓ કચેરીને કામગીરી કરવા પ્રેરણા આપી હતી.
કલેકટરે લોકોને કાયદાના ભય વગર અકસ્માતમાં ઘવાયેલા લોકોને મદદ કરવા આગળ આવવા અપીલ કરી હતી. અકસ્માતોના કિસ્સામાં મદદ કરનાર વ્યક્તિને રાજકોટ વહીવટી તંત્ર તરફથી કોઈપણ પ્રકારની કાયદાકીય હેરાનગતિ નહી થાય, તેવી ખાત્રી કલેકટરે આપી હતી. આ તકે નિવાસી અધિક કલેકટર કેતન ઠકકર, નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક) પૂજા યાદવ, રાજકોટ ગ્રામ્યના નાયબ પોલિસ અધિક્ષક હિંગળાજદાન રત્નુ, આર.ટી.ઓ.અધિકારી કેતનસિંહ ખપેડ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


