જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર રાજેશ તન્ના સામે સત્તાના દુરુપયોગની ફરિયાદ નોંધાવતા સામાજીક કાર્યકર વિરલ જોટવા
જૂનાગઢના જાગૃત નાગરિક વિરલ જોટવાએ સંબંધિત અધિકારી અને વિભાગમાં જયેશ વાજાને સસ્પેન્ડ કરવા અને રાજેશ તન્ના વિરૂદ્ધ કાર્યવાહી કરવા અરજી કરી
- Advertisement -
ડે.કમિશ્નર પદ માટે GAS ઉમેદવારની નિમણૂંકનો નિયમ હોવા છતાં ઈન્ચાર્જ ડેપ્યુટી કમિશ્નર તરીકે જયેશ વાજાને ચાર્જ સોંપતા કમિશનર રાજેશ તન્ના
જૂનાગઢના સામાજિક કાર્યકર વિરલ જોટવાએ જૂનાગઢના આસિ. મ્યુનિ. કમિશનર અને હાલ ડે. કમિશનરના ચાર્જ પર રહેલા જયેશ વાજાને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તેમજ જૂનાગઢના મ્યુનિ. કમિશનર રાજેશ તન્ના વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે ગુજરાતના મુખ્યમંત્રી, મંત્રીશ્રી શહેરી વિકાસ, ચીફ સેક્રેટરી, સેક્રેટરી, શહેરી વિકાસ, પ્રિન્સીપાલ સેક્રેટરી, સામાન્ય વહીવટી વિભાગ અને સેક્રેટરી સામાન્ય વહીવટી વિભાગમાં અરજી કરી છે. આ અરજીમાં જૂનાગઢના સામાજિક કાર્યકર વિરલ જોટવા જણાવ્યું છે કે, જૂનાગઢ મહાનગરપાલિકામાં કમિશનર દ્વારા જાણે પોતાની માલિકીની પેઢી હોય તે રીતે વહીવટ ચલાવે છે અને સરકારી કોઈપણ નીતિનિયમોનું પાલન કરતાં નથી કે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપેલ દિશા સૂચનનું પણ પાલન કરતાં નથી.
- Advertisement -
જૂનાગઢ મનપામાં જી.એ.એસ. એવા ચીફ ઓડીટર અધિકારી ઉપલબ્ધ હોવા છતાં સત્તાનો દૂર ઉપયોગ કરીને ઈન્ચાર્જ કમિશનર તરીકે ગ્રેજ્યુએટ એવા જયેશ વાજાને નિમણૂંક અપાઈ હોવાનો વિરલ જોટવાનો આક્ષેપ
જેતે સમયે નગરપાલિકાના નિયામકે પણ કહેલું, જયેશ વાજાની નિમણૂંક ગેરકાયદે છે: વિરલ જોટવા
સામાજિક કાર્યકર વિરલ જોટવાએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું છે કે, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે પોસ્ટ છે, આસિસ્ટન્ટ કમિશનર અને ડેપ્યુટી કમિશનર. જયેશ વાજા કે જેઓ હાલમાં ડેપ્યુટી કમિશનર છે એ માત્ર ગ્રેજ્યુએશન કમ્પલીટ છે, કોલેજ પાસ લાયકાત ધરાવે છે. તેમની નિમણૂંક નગરપાલિકા વખતે 2007માં યુસીડી વિભાગમાં થયેલી હતી, જેતે સમયે નગરપાલિકાના નિયામકે સ્પષ્ટ કહેલું કે તેમની એ નિમણૂંક પણ ગેરકાયદે છે. હાલમાં ડેપ્યુટી કમિશનર માટેની પોસ્ટ માટે જીપીએસસી પાસ અને જીએએસ ઓફિસર જ લાયકાત ધરાવનાર વ્યક્તિ ડે. મ્યુનિસિપલ કમિશનરની સીટ પર બેસી શકે તેમ છતાં પણ કમિશનર રાજેશ તન્નાએ ડેપ્યુટી કમિશનર તરીકે જયેશ વાજાને રાખેલા છે જે ગેરકાયદે હોય, હાલમાં ડે.કમિશનરનો ચાર્જ સંભાળી રહેલ જયેશ વાજા અને તેમને એ સીટ પર બેસાડનારા કમિશનર રાજેશ તન્ના વિરુદ્ધ કડક પગલાં ભરાવા જોઈએ એવું વિરલ જોટવાએ જણાવ્યું હતું.
અમારી ફરિયાદની હકીકત એવી છે કે અમોએ જૂનાગઢ મ્યુ. કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા વિરૂદ્ધ તેમણે તેમની ડે. કમિશનરનાં ચાર્જમાં કરેલો પોતાની સત્તાનો દુરુપયોગ બાબતે કમિશનર તેમજ ઉચ્ચ કક્ષાએ અનેક ફરિયાદ કરેલી હતી. બી.પી.એમ.સી. એક્ટ મુજબ નાયબ કમિશનર તરીકે જી.એ.એસ. એટલે કે ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ સર્વિસની પરીક્ષા જેમણે પાસ કરેલ હોય તેવા જ વ્યક્તિને નાયબ કમિશનર તરીકે હોદ્દો મળી શકે અને જૂનાગઢમાં જી.એ.એસ. પાસ હાલના ચીફ ઓડીટર તરીકે એક અધિકારી ઉપલબ્ધ હોવા છતાં કમિશનર રાજેશ તન્ના દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ઈન્ચાર્જ ડે. કમિશનર તરીકે જયેશ વાજાને નિમણુંક આપેલી હતી. હકીકતમાં આ ડે. કમિશનર જયેશ વાજાની નિમણુંક જૂનાગઢ નગરપાલિકા સમયમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે થયેલી હતી અને તે અંગે કમિશનરશ્રી મહાનગરપાલિકા પાસે નિયામકશ્રી નગરપાલિકાઓ દ્વારા ફેબ્રુઆરી 2007ના અરસામાં જયેશ વાજાની પ્રોજેકટ ઓફિસર તરીકેની નિમણુંક ગેરકાયદેસર કરેલ તે બાબતનો પત્ર પણ મોકલવામાં આવેલ હતો.
ઉપરાંત જાન્યુઆરી 2007ના અરસામાં અગ્ર સચિવશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણને ગુજરાત રાજ્ય તકેદારી આયોગ દ્વારા પણ આવી ગેરકાયદેસર નિમણુંક બાબતે એક પત્ર મોકલેલ હતો. આમ જ્યારે પ્રોજેક્ટ ઓફિસરની જ નિમણુંક જયેશ વાજાની ગેરકાયદેસર થયેલ હોય અને કાયદાથી વિરૂદ્ધ થયેલ હોય તો તેવા વ્યક્તિને આસિસ્ટન્ટ કમિશનર તરીકે અત્યાર સુધી શા માટે નોકરીમાં રાખેલા અને હાલના કમિશનર દ્વારા આવા દાગી માણસને તેમની જી.એ.એસ.ની લાયકાત ન હોવા છતાં શા માટે તેમને ડેપ્યુટી કમિશનર તરીકેનો ચાર્જ આપેલો, આમ તમામ ગેરકાયદેસર અને કાયદા વિરૂદ્ધ કાર્યવાહી કરી અને જયેશ વાજાને સસ્પેન્ડ કરવાને બદલે તેમને છાવરવા બદલ સત્વરે જૂનાગઢના કમિશનર રાજેશ તન્ના વિરૂદ્ધ કાર્યવાહી કરી અને જયેશ વાજાને સસ્પેન્ડ કરવા તાકીદ કરવામાં આવે એવી અરજી વિરલ જોટવા નામના સામાજીક કાર્યકરે જવાબદાર વિભાગ અને અધિકારીઓને કરેલી છે.