ઢવાણા પાટિયા પાસે મોરબી ક્રાઈમ બ્રાચનું સફળ ઓપરેશન: એક શખ્સની ધરપકડ, અન્ય એકનું નામ ખૂલ્યું
દારૂ અને ટ્રક સહિત કુલ રૂ. 44.93 લાખનો મુદ્દામાલ જપ્ત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના ઢવાણા પાટીયા નજીકથી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ટીમે ટ્રકમાં દૂધના ફિલ્ટર મશીનની આડમાં છુપાવીને લઈ જવાતો રૂ. 34.87 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. એલસીબી ટીમે વિદેશી દારૂ અને ટ્રક સહિત કુલ રૂ. 44.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક શખ્સની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી ક્રાઈમ બ્રાન્ચ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમદાવાદ-ધ્રાંગધ્રા તરફથી એક ટાટા ટ્રક નંબર આરજે-19-જીસી-0919 હળવદ-માળીયા તરફ આવનાર છે જે ગાડીના ઠાઠામાં દુધના ફીલ્ટર મશીનની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તેવી ચોકકસ બાતમીના આધારે હળવદના ઢવાણા પાટીયા પાસે એલસીબી ટીમે વોચ ગોઠવતા બાતમીવાળો ટ્રક નીકળ્યો હતો.
- Advertisement -

આ ટ્રકને રોકીને ટ્રકની અંદર તપાસ કરવામાં આવતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 8196 બોટલો એટલે કે રૂપિયા 34,87,020 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી એલસીબી ટીમે વિદેશી દારૂ, 10 લાખની કિંમતનો ટ્રક, મોબાઈલ અને રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા 44,93,360 નો મુદ્દામાલ કબ્જે કરીને ટ્રક ડ્રાઈવર કૈલાશ મદનસીંગ નેહરા, જાટ (ઉં.વ. 21, રહે. સીવકર (રામપુરા), તા. જી.બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી તેમજ ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશભાઇ જાખડ (રહે. સરલી, તા. જી. બાડમેર, રાજસ્થાન) નું નામ ખુલતા બંને આરોપીઓ સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



