મોરબી રહેતાં પુત્રના ઘરે ગયેલા આધેડનાં મકાનમાંથી તસ્કરો 1.47 લાખનો મુદ્દામાલ ઉસેડી ગયા
ખાસ-ખબર સંવાદદાતા
ઠંડી વધતાની સાથે જ તસ્કરોનું જોર વધ્યું છે. પોલીસને બદલે તસ્કરોએ નાઈટ કોમ્બિંગનો દૌર હાથમાં લીધો હોય એમ મોરબી અને માળિયા પંથકમાં ચોરીના બનાવો વધી રહ્યા છે અને હવે તો તસ્કરોની હિંમત એટલી વધી ગઈ છે કે માળિયાના સરવડ ગામે મંગળવારે એક જ રાતમાં સાત મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેથી પોલીસના નાઈટ પેટ્રોલીંગના દાવા પોકળ સાબિત થયા છે અને હવે લોકોને પોતાની માલમતાની સલામતી માટે રાત ઉજાગરા કરવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
- Advertisement -
ચોરીના આ બનાવ અંગે મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના સરવડ ગામે રહેતા અમૃતલાલ છગનલાલ લોદરિયાએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ છેલ્લા ચારેક દિવસથી મોરબી રહેતા પુત્રને ત્યાં આંટો મારવા ગયા હતા ત્યારે પાછળથી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પડેલ રોકડા રૂપિયા 27 હજાર તેમજ રૂ. 1 લાખ 20 હજારની કિંમતના ચાર તોલા સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1.47 લાખના મુદ્દામાલની તસ્કરો ચોરી કરી ગયા હતા. વધુમાં તસ્કરોએ અમૃતભાઈ લોદરિયાના મકાન ઉપરાંત જયંતીભાઇ ઉર્ફે ભીખાભાઇ ચતુરભાઇ કાવર, વસંતભાઇ લાલજીભાઇ સરડવા, રણછોડભાઇ રામજીભાઇ ચીખલીયા, ઘનશ્યામભાઇ ગોવીંદભાઇ વીલપરા, જયસુખભાઇ સવજીભાઇ લોદરીયા તથા ભુદરભાઇ છગનભાઇ લોદરીયાના મકાનમા પણ ચોરી કરી હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.