મોરબી જિલ્લામાં 9 મહિનામાં ખાતર અને બિયારણના 26 નમૂના ફેલ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં સિંચાઇની સુવિધાને કારણે ખેડૂતો બારમાસી ખેતી કરી રહ્યા છે ત્યારે ડુપ્લિકેટ બિયારણના આ સમયમાં ખેડૂતો છેતરાય નહીં તે માટે ખેતીવાડી વિભાગની બે સ્ક્વોડ સતત જિલ્લાભરમાં રાસાયણિક દવા, ખાતર અને બિયારણના નમૂના લઈ રહી છે ત્યારે ચાલુ વર્ષે ચેકિંગ દરમિયાન રાસાયણિક ખાતર, દવા અને બિયારણના 28 નમૂના ફેઈલ થતા તમામ સામે કાનૂની રાહે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગેરરીતિ મામલે 28 વિક્રેતાને નોટિસ પણ ફટકારવામાં આવી છે. ચાલુ વર્ષ દરમિયાન ખેતીવાડી વિભાગની બે સ્ક્વોડ દ્વારા સમગ્ર જિલ્લામાં ખાતર, દવા અને બિયારણના વિક્રેતાઓને ત્યાં તપાસ ચાલુ રાખવામાં આવી હતી અને જરૂર જણાયે સેમ્પલ મેળવી પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી નમૂના ફેઈલ થયા હોય તેવા વિક્રેતા કંપનીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે દરમિયાન ડીએપી, યુરિયા અને વોટર સોલ્યુબલ ખાતરના 254 નમૂના લેવામાં આવ્યા હતા જે પૈકી 10 નમૂના નાપાસ થયા હતા. એ જ રીતે રાસાયણિક દવાના 60 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 7 સેમ્પલ પૃથક્કરણમાં નાપાસ થયા હતા. આ ઉપરાંત કપાસ, તલ અને જીરું સહિતના 152 અલગ અલગ બિયારણના નમૂના લેવામાં આવ્યા હતા જેની ચકાસણીમાં 11 બિયારણના નમૂના ફેઈલ થતા તમામ કિસ્સામાં કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.