ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના બે મહિનાથી પગાર ન ચૂકવાતા અને ઉપરથી ઠાલા આશ્વાસન આપવામાં આવતા સફાઈ કર્મચારીઓ વિફર્યા હતા જેથી પગાર પ્રશ્ને સફાઈ કર્મચારીઓએ નગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો.
આ સફાઈ કર્મચારીઓએ બે કલાક સુધી બેસી રહીને જ્યાં સુધી પગાર ન થાય ત્યાં સુધી બેસી રહેવાનો નીર્ધાર કરતા અંતે તંત્ર ઝુક્યું હતું અને તંત્રએ બે મહિનાનો પગાર ચૂકવી દેતા મામલો થાળે પડ્યો હતો.
મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને દોઢ બે મહિનાથી પગાર ન ચુકવાતાં મહિલા સફાઈ કર્મીઓ પાલિકા કચેરીએ દોડી ગયા હતા અને ઉગ્ર રજુઆત કરી હતી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, તેઓનો પગારના કોઈ ઠેકાણા જ નથી.
ઉપરથી પાલિકા દ્વારા અમારી પાસેથી વધુ કામ કરાવાય છે. કોઈ નેતા મોરબી આવવાના હોય કે સરકારી જાહેર કાર્યક્રમ હોય ત્યારે 10 થી 12 કલાક સતત પટ્ટાવાળા માથે ઉભા રહીને કામ કરાવે છે.
પણ અમારા હક્કનો પગાર માંગવા જાય તો કોઈ જવાબ આપતું જ નથી. છેલ્લા બે મહિનાથી પગાર થયો નથી. સફાઈ કર્મીઓ સામાન્ય પરિવારના હોય એક મહિનો પગાર ન આવે તો ઘરનું બજેટ હલી જાય છે અને બે બે મહિનાથી પગાર ન આપતા કોઈ દુકાનવાળા રાશન પણ ઉધારીમાં આપતા નથી. આવી કપરી સ્થિતિ વચ્ચે ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું ? આ બાબતે જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે પાલિકાના જવાબદારો ચેકમાં સાઈન બાકી હોવાનું કહીને ઉઠાં ભણાવે છે જો કે શુક્રવારે સફાઈ કર્મચારીઓએ દેખાવો કરતા અંતે નવેમ્બર માસના બાકી પગારના ચેકમાં સહી કરી સોમવારે બેંકમાં નાખીને મંગળવારે પગાર મળી જાય તેવી વ્યવસ્થા કરી હોવાનું પાલિકાના કર્મચારીએ જણાવ્યું હતું.
મોરબી પાલિકામાં પગાર ન ચૂકવાતાં સફાઈ કર્મચારીઓએ કચેરીમાં જ મોરચો માંડયો



