સિન્ડિકેટની મિટિંગમાં કેટલાક નિર્ણયો મુદ્દે મેમ્બરો વચ્ચે બઘડાટી બોલી
યુનિવર્સિટીના જ પ્રોફેસર એક વર્ષ સુધી રજા ઉપર હોવા છતાં તેની નોકરી સળંગ ગણી તેને પ્રમોશન આપી દેવા મુદ્દે વિરોધ
- Advertisement -
ખાનગી પ્લોટમાં બિલ્ડરે દબાણ કર્યું અને નંદનવનમાં ગેરકાયદે ઝૂંપડાં ખડકાઈ ગયા
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરુવારે મળેલી સિન્ડિકેટની મિટિંગમાં જુદા જુદા શૈક્ષણિક અને વહીવટી મુદ્દાઓ ઉપર નિર્ણય લેવામાં એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવતા બઘડાટી બોલી હતી અને સભ્યોએ વાંધો ઉઠાવતા માહોલ તંગ બન્યો હતો. સિન્ડિકેટની બેઠકમાં જે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તેમાં મુખ્યત્વે યુનિવર્સિટીની જમીન ઉપર એક જગ્યાએ પીએસઆઈએ બાંધકામ કર્યું હોવાનું, બીજી જગ્યાએ બિલ્ડરે દબાણ કર્યું હોવાનું અને ત્રીજી જગ્યાએ મોટી સંખ્યામાં ઝૂંપડાં ખડકાઈ ગયા હોવાનું બહાર આવતા આ મુદ્દે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
બીજી બાજુ યુનિવર્સિટીના જ ફાર્મસી ભવનમાં બે પ્રોફેસરની કરાર આધારિત ભરતી કર્યા બાદ બારોબાર બંનેની કાયમી ભરતી કરી દેવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ બંને પ્રોફેસરની સર્વિસ બુક પણ બનાવી દેવામાં આવી છે. આ મુદ્દે સિન્ડિકેટ સભ્યોએ વાંધો ઉઠાવતા બંનેની ભરતી અને સર્વિસ બુક રદ કરવાની પ્રક્રિયા કરવાની માગણી કરી હતી. આ ઉપરાંત યુનિવર્સિટીના જ એક પ્રોફેસર આખું વર્ષ રજા ઉપર હોવા છતાં તેની નોકરી સળંગ ગણીને તેને પ્રમોશન આપી દેવા મુદ્દે પણ સિન્ડિકેટમાં માથાકૂટ થઇ હતી. આ ઉપરાંત અંગ્રેજી ભવનમાં ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થિનીને જ પીએચ.ડીમાં પ્રવેશ નહીં મળતા અને સીટના ગોટાળા વચ્ચે વર્ષમાં બે વખત પીએચ.ડીના રજિસ્ટ્રેશન કરવા નિર્ણય લેવાયો. કાવ્ય મહાકુંભમાં મોટી રકમના દાન આવવા છતાં આયોજકોએ સાચો હિસાબ રજૂ નહીં કરતા ફરીથી હિસાબો આપવા જણાવાયું. ફોરેસ્ટ મેન્ટેનન્સનો એક વર્ષનો 23 લાખનો કોન્ટ્રાક્ટ બારોબાર સદ્દભાવના ટ્રસ્ટને બદલે ટેન્ડર પદ્ધતિથી આપવા ચર્ચા કરી હતી.
- Advertisement -
ગ્લોરીયસ કોલેજને જોડાણ ન મળવું જોઈએ: કલાધર આર્ય
આજથી 8 વર્ષ પહેલા ગ્લોરીયસ કોલેજમાં પેપર ફુટવાથી જોડાણ રદ થયું હતું. તેને ફરીથી જોડાણ કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેનો સિન્ડિકેટ મેમ્બર કલાધર આર્યએ વિરોધ દર્શાવ્યો હતો. આ ઉપરાંત અગાઉ ચાર પ્રોફેસરોને સબેટિકલ લીવ સપૂર્ણ ગણીને પ્રમોશન અપાય છે ત્યારે કૃણાલ મોદીને છ મહિના ગણવી અને છ મહિના ન ગણવી તેવો નિર્ણય પણ પક્ષપાત ભર્યો હોવાની ચર્ચા થઇ હતી અને દરેકને સમાન ધોરણે અને નિયમ મુજબ લાભ આપવા જણાવાયું હતું.