ભૂગર્ભમાં ઉતરી ગયેલા ઓરેવા સુપ્રીમોને જવાબ રજૂ કરવા હાઈકોર્ટની નોટીસ
પુલ દુર્ઘટનાના મૃતક પરિવારજનોની સિવિલ એપ્લિકેશનને પગલે ઓરેવા ગ્રુપને નોટિસ
- Advertisement -
પાલિકાને સુપરસીડ નહીં કરવા મામલે નગરસેવકોની અરજી કોર્ટે ફગાવી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પૂલનું રીનોવેશન કરનાર ઓરેવા કંપનીને પક્ષકાર તરીકે જોડવા દુર્ઘટનાના મૃતક પરિવારજનોએ કરેલી સિવિલ એપ્લિકેશન અંગેની સુનાવણી કરી હાઈકોર્ટ દ્વારા ઓરેવા કંપનીને નોટીસ ફટકારવામાં આવી છે. સાથે જ મોરબી નગરપાલિકાના 49 સભ્યો દ્વારા પાલિકાને સુપરસીડ નહીં કરવા મામલે હાઇકોર્ટમાં અરજી કરતા નામદાર હાઈકોર્ટે અરજી ફગાવી દઈ સરકાર કોઈ પગલાં ભરે ત્યારબાદ ન્યાય માટે આવવા જણાવ્યું હતું.
મોરબીની ગોઝારી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુઆમોટો દાખલ થયા બાદ આ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટોની સમયાંતરે નિયમિત સુનાવણી ચાલી રહી છે ત્યારે ગત મુદતમાં મોરબી નગરપાલિકાને ઝટકો લાગ્યો હતો જ્યારે બુધવારે પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનો દ્વારા પુલ રીનોવેશન કરનાર ઓરેવા કંપનીને પણ પક્ષકાર બનાવવા સિવિલ એપ્લિકેશન કરવામાં આવતા નામદાર હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી આગામી મુદતમાં ઓરેવાના સુપ્રીમો જયસુખ પટેલને જવાબ રજૂ કરવા નોટીસ ઈશ્યું કરી હતી જેથી દુર્ઘટના સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખ પટેલને હવે જવાબ આપવો જ પડશે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોર્ટમાં હાજર પણ થવું પડશે. આ અંગેની વધુ સુનાવણી કોર્ટ દ્વારા આગામી 19 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
પાલિકાના સભ્યોને હાલ પક્ષકાર તરીકે નહીં જોડવામાં આવે : HCનો નિર્ણય
ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં મોરબી નગરપાલિકાના સભ્યોને પક્ષકાર તરીકે જોડાવા અને સુનાવણીની તક આપવા હાઈકોર્ટે ઈન્કાર કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, નગરપાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય લેવાયો ન હોય ત્યાં સુધી હાલના કેસમાં તેમને સાંભળવા જરૂરી નથી. મહત્વનું છે કે, મોરબી નગરપાલિકાના સભ્યોએ કોર્ટમાં નગરપાલિકા મુદ્દે કોર્ટ કોઈ પણ હુકમ પસાર કરે એ પહેલા એમને સુનાવણીની તક આપવાની માંગણી કરી હતી. નગરસેવકોના કોઈ જ વાંક વિના નગરપાલિકા સુપરસીડ કરવાની કામગીરી કરીને એમને દંડવા ન જોઈએ એવી રજૂઆત કરી હતી.