મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા, હુમલાખોરો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
ખાસ-ખબર સંવાદદાતા
પાલીતાણા ખાતે આવેલ જૈન મંદિરમાં બે દિવસ પહેલા થયેલા હુમલાની ઘટનાના વિરોધમાં મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા મંગળવારે બપોરે ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં બાઈક સહિતના વાહનોમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ જોડાઈને કલેકટરને આવેદન આપી હુમલાખોરો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
- Advertisement -

મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા પાલીતાણા ખાતે આવેલ જૈન સમાજના તીર્થધામ શેત્રુંજય પર્વત પર તોડફોડ સહિતના હીંચકાર હુમલાના વિરોધમાં ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગિરિરાજની રક્ષા કાજે આ બાઈક રેલી મંગળવારે બપોરે મોરબી શહેરના દરબાર ગઢથી નીકળી શહેરના નહેરુ ગેઇટ ચોક, પરાબજાર, ટાઉનહોલ નગરપાલિકા રોડ, રવાપર રોડ, મોરબી નાગરિક બેન્ક, રામ ચોક, જુના બસ સ્ટેન્ડ તખ્તસિંહજી રોડ, કબ્રસ્તાન, પુલ પર થઈ સામાંકાંઠે આવેલ જિલ્લા સેવા સદને પહોંચી કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
આ તકે જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, પાલીતાણા ખાતે આવેલ જૈન સમાજના તીર્થધામ શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી તેમજ જૈન સમાજના સાધુ-ભગવતો અને યાત્રાળુ ઉપર પણ અમુક આવારા તત્વો હુમલા કરતા હોવાથી આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી આ તીર્થધામ ખાતે જૈન સમાજ સુરક્ષિત રહે તે માટે આવારા તત્વો સામે સખત કાર્યવાહીની માંગ સાથે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ રેલી કાઢીને આવેદન આપ્યું છે અને તેમ છતાં કાર્યવાહી ન થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.



