ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી યોજાયા બાદ આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર યોજાયું છે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે.
ગઈકાલે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસસભામાં તમામ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા બાદ આજે વિધાનસભાના એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને મંત્રી ઋષિકેશ પટેલે ટેકો આપ્યો હતો. જે બાદ સર્વાનુમતે પ્રસ્તાવનો સ્વિકાર કરાયા બાદ અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની પસંદગી કરવામાં આવી.
- Advertisement -
ગતરોજ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું હતું રાજીનામું
થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ગઈકાલે ભાજપના પ્રાથમિક સભ્યે પદેથી રાજીનામું આપ્યું હતું. વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ભારતીબેન શિયાળની હાજરીમાં રાજીનામું આપ્યું હતું. આપને જણાવી દઈએ કે, શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે બંધારણીય વ્યવસ્થાના ભાગરૂપે અધ્યક્ષને પક્ષમાંથી રાજીનામુ આપવું પડતું હોય છે.
અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ કરાયું હતું નક્કી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી. ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 12મી ડિસેમ્બરે ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ના નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા હતા. મંત્રીઓએ પદભાર સંભાળ્યા બાદથી વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ લઇને ઘણા નામો ચર્ચાઇ રહ્યા હતા. અંતે ભાજપ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરાયું હતું.
- Advertisement -
15મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે આજે શ્રી શંકરભાઇ ચૌધરીની સર્વાનૂમતે વરણી કરવામાં આવી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે લોકશાહીના મંદિરની ઉજ્જવળ પરંપરાઓ જાળવી રાખવામાં નવનિયુકત અધ્યક્ષશ્રીનું માર્ગદર્શન નિરંતર મળતું રહેશે. pic.twitter.com/Lce3exevh2
— CMO Gujarat (@CMOGuj) December 20, 2022
16 હજારની લીડથી શંકર ચૌધરીનો થયો હતો વિજય
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીનો ભવ્ય વિજય થયો હતો. શંકર ચૌધરીને 116000 મત મળ્યા હતા, જ્યારે ગુલાબસિંહ રાજપૂતને 90900 જેટલા મત મળ્યા હતા. એટલે કે લગભગ 16 હજારની લીડથી મોદી-શાહના નજીકના ગણાતા દિગ્ગજ નેતા શંકર ચૌધરીનો વિજય થયો હતો. આ વર્ષે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પર ચૂંટણી રસપ્રદ બની હતી. કારણ કે ભાજપે દિગ્ગજ સહકારી આગેવાન ‘દૂધવાલા’ શંકર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા. જેમની સામે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ વિરચંદ ચાવડાને ઉમેદવાર બનાવ્યા હતા.