વિદ્યાર્થીઓ આજુબાજુમાં બેસી લખતા હોવાનું CCTVમાં દેખાયા
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 13મીથી શરૂ થયેલી 59 હજાર વિદ્યાર્થીની પરીક્ષામાં પહેલા દિવસે યુનિવર્સિટીના ભવનમાં એક કોપીકેસ થયા બાદ બીજે દિવસે પણ બે કોપીકેસ નોંધાયા છે. ભાયાવદરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બીસીએના પેપરમાં બે વિદ્યાર્થી આજુબાજુમાં બેસેલા વિદ્યાર્થીઓમાંથી ચોરી કરીને લખતા હોવાનું સીસીટીવીમાં દેખાતા તેના આધારે યુનિવર્સિટીએ બે કોપીકેસ કર્યા છે.
યુનિવર્સિટીએ પરીક્ષાના સીસીટીવી ફરી લાઈવ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સહિત તમામ લોકો લાઈવ જોઈ શકે છે. યુનિવર્સિટી તંત્રએ આ સીસીટીવી કેમેરા થકી જ બુધવારે બે કોપીકેસ નોંધ્યા છે. કોપીકેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં મળનારી ઊઉઅઈ (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની બેઠકમાં નિવેદન લીધા બાદ સજા ફટકારવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા 40 જેટલા કોર્સના 59,171 વિદ્યાર્થીની પરીક્ષા હાલ 194 કેન્દ્ર ઉપર ચાલી રહી છે. જેમાં સૌથી વધુ બી.કોમ. સેમેસ્ટર-1ના 19,131 વિદ્યાર્થી, બી.એ. સેમેસ્ટર-1ના 19,653 વિદ્યાર્થી છે. આ ઉપરાંત બીસીએ સેમેસ્ટર-1, બીબીએ સેમેસ્ટર-1,બીએસસી સેમેસ્ટર-1 અને એમ.કોમ. સેમેસ્ટર-1 સહિત 40 જેટલા કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષાના બીજે દિવસે બે કોપીકેસ થયા છે.
પહેલા દિવસે યુનિવર્સિટીના ભવનમાંથી એક કોપીકેસ થયો હતો. બીજે દિવસે બુધવારે ભયાવાદર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બે વિદ્યાર્થી આજુબાજુમાંથી જોઈને લખતા હોવાનું સીસીટીવીમાં દેખાતા યુનિવર્સિટીએ આ સીસીટીવી ફૂટેજના આધારે બંને વિદ્યાર્થીઓને કોપીકેસમાં પકડ્યા છે.
ભાયાવદરની આર્ટસ કોલેજની BCAની પરીક્ષામાં બે કોપી કેસ
