રાજસ્થાનની ઉદયપુર કોર્ટમાં મહિલાએ પતિ અને પરિવારના સભ્યો વિરુદ્ધ ઘરેલુ હિંસા અંગેની ફરિયાદ નોંધાવી
કોંગ્રેસના હિમાચલ પ્રદેશ એકમના પ્રમુખ પ્રતિભા સિંહ, શિમલા ગ્રામીણના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહ અને પરિવારના કેટલાક સભ્યો વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. વિક્રમાદિત્ય સિંહની પત્નીએ કરેલી ફરિયાદના આધારે આ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -
શિમલા ગ્રામીણના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહની પત્ની સુદર્શનાએ રાજસ્થાનની ઉદયપુર કોર્ટમાં તેના પતિ અને પરિવારના સભ્યો વિરુદ્ધ ઘરેલુ હિંસા અંગેની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ 17 ઓક્ટોબરે નોંધવામાં આવી છે. આ મામલામાં 17 નવેમ્બરે થયેલી પ્રથમ સુનાવણીમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઉદયપુરની કોર્ટે પતિ વિક્રમાદિત્ય સિંહ, સાસુ પ્રતિભા સિંહ, ભાભી અપરાજિતા સિંહ, નણદોઈ અંગદ સિંહ અને ચંદીગઢની રહેવાસી અમરીને બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા છે.
આ કેસના તમામ પ્રતિવાદીઓને 14 ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સુદર્શનાએ ઉદયપુર કોર્ટમાં પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની કલમ 20 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. સુદર્શનાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, લગ્ન બાદ તેના સાસરિયાના ઘરે તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.
નોંધનિય છે કે, રાજસ્થાનના મેવાત વંશની રાજકુમારી સુદર્શનાના લગ્ન 8 માર્ચ 2019ના રોજ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વીરભદ્ર સિંહના પુત્ર અને શિમલા ગ્રામીણ ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહ સાથે થયા હતા. આ લગ્ન રાજસ્થાનના કનોટા ગામમાં થયા હતા. ફરિયાદમાં કહેવાયું છે કે, લગ્ન બાદ સાસરિયાઓ દ્વારા હેરાનગતિ શરૂ થઈ હતી. ફરિયાદમાં ધારાસભ્યના પરિવાર પર સુદર્શનાના સંબંધીઓને બળજબરીથી શિમલા બોલાવી તેમને ઉદયપુર મોકલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોતાની ફરિયાદમાં સુદર્શનાએ કોર્ટને વિનંતી કરી છે કે, પ્રતિવાદી પક્ષે તેના રહેવા માટે ઘરની પણ વ્યવસ્થા કરવી જોઈએ.