21 નવેમ્બરના રોજ આવેલા ભૂકંપમાં 334 લોકોના મોત થયા હતા
ખાસ-ખબર સંવાદદાતા
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને મેઈન આઈલેન્ડ જાવામાં ગુરૂવારે ભૂકંપના ઝટકા આવ્યા હતાં. છેલ્લા 17 દિવસમાં ત્રીજી વખત આવેલા ભૂકંપના ઝટકાથી ઇન્ડોનેશિયામાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને મેઈન આઈલેન્ડ જાવાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ જાવા પ્રાંતમાં આવેલ સિરિજંગ- હિલિરના 14 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં 123.7 કિલોમીટર ઊંડાઈમાં હતું.આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિની ખબર આવી નહતી. ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયામાં 21 નવેમ્બરના રોજ આવેલા ભૂકંપમાં 334 લોકોના મોત થયા હતા અને 600 લોકો ઘાયલ થયા હતા.
સુલાવેસીમાં 2018માં આવેલા ભૂકંપ અને સુનામી બાદ આ ઈન્ડોનેશિયાનો સૌથી વિનાશક ભૂકંપ હતો. સુલાવેસીમાં આવેલા ભૂકંપમાં લગભગ 4340 લોકોના મોત થયા હતા.
ઇન્ડોનેશિયામાં ભૂકંપ આવવા સામાન્ય બની ગયા છે. પરંતુ, રાજધાની જકાર્તામાં તેના ઝટકા મહેસૂસ થવા અસામાન્ય બાબત છે. ડિસેમ્બર 3ના રોજ પણ ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ પાસે આવેલા ભૂકંપમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને કારણે ઈન્ડોનેશિયાના ઘણા ભાગોમાં નુકશાનની ખબરો આવી હતી.