વોટ્સ એપની નવી પોલિસીમાં તમારી સંમતિની કોઈ દરકાર નથી…
રીના બ્રહ્મભટ્ટ
હાલમાં જ વોટ્સએપ પ્રાઇવસી પોલિસી અને ટર્મ્સમાં બદલવાની સૂચના એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સને એક નોટિફિકેશન દ્વારા આપી રહ્યું છે. અને આ નોટિફિકેશનમાં સાફ જણાવવામાં આવ્યું છે કે, અગર આપ નવા અપડેટ્સને 8 ફેબ્રુઆરી 2021 સુધી સ્વીકાર નથી કરતા તો, આગામી સમયમાં તમારું એકાઉન્ટ ડીલીટ થઇ જશે. મતલબ કે નવા નીતિ-નિયમો ને તમે મંજૂરી નહી આપો તો તેમારું એકાઉન્ટ બંધ. ત્યારે જાહેર છે કે, વોટ્સએપ તમારી પાસેથી ફોસ્ર્ડ ક્ધસેન્ટ લઇ રહ્યું છે. કેમ કે, આમાં તમે કોઈ બાબતે સહમત નથી તેવો કોઈ વિકલ્પ અપાયો નથી. મતલબ કે તમારે મંજૂરી તો યેનકેન પ્રકારે આપવી જ પડશે. આપણી નિજીતાને આમ કોઈ મહત્વ અપાયું નથી. ત્યારે આમ પણ આ ખેલ ક્યારનો ચાલી રહ્યો છે, પરંતુ હવે આ સોશ્યલ મીડિયા બાકાયદા સર્વિસ પ્રોવાઇડર મંજૂરીના નાટકનો તખ્તો ગોઠવી રહ્યું છે.
- Advertisement -
ઉદાહરણ તરીકે, ગોવા જવાનું પ્લાનીંગ નક્કી થતા મેં ગૂગલ પર ફ્લાઇટ સર્ચ કરી, હોટેલ સર્ચ કર્યા.. જવાનું કેન્સલ થયું..પરંતુ મને આશ્ચર્ય તો ત્યારે લાગ્યું કે, જયારે મારી પસંદ ના રિસોર્ટ , હોટેલ્સ અને મને જોઈતી ફ્લાઇટ ની વિગતો મારા ફેસબૂક એકાઉન્ટમાં પણ શો થવા લાગી.મને સતત આ અંગેના ઓપશન મળવા લાગ્યા..ત્યારે હું વિચાર માં પડી ગઈ..કે શું આ અલાદીનનો જાદુઈ ચિરાગ છે? કે જે મારા મનની વાત જાણે છે, મને જોઈતી અને મારા બજેટની રજેરજ વિગત ફેસબૂક પર કેવી રીતે અપ ડેટ થઇ?
આવો એક્સપિરિયન્સ ઓનલાઇન શોપિંગ મામલે પણ થવા લાગ્યો. મને આ અંગે ના નોટિફિકેશન મળવા લાગ્યા..બહુ વિચાર કર્યા પછી ખ્યાલ આવ્યો કે, આ અલ્લાદીન નો જાદુઈ ચિરાગ નહી બલ્કે ગુગલ બાબાની કમાલ છે…કેમકે , ગૂગલ બાબા તમે ગૂગલ પર એકવાર કઈ પણ સર્ચ કરો કે, તમારો નિજી ડેટા તુરન્ત ફેસબુકથી લઈને તમામ આવી લાગી વળગતી કંપનીઓને પહોંચતી કરવાનું ન ધારેલું કામ કરે છે..અને વળી આ અંગે તમે રખેને માનતા કે, આ કામ ફક્ત ગુગલ જ કરે છે..તમામ સોશલ મીડિયા કે જે આપણને સાવ મફતમાં સર્વિસ સર્વ કરે છે તે મફતમાં પીરસવાને નામે આપણી તમામ નિજી જાણકારીની ઉઠાંતરી કરે છે.
જી, હા તમને જાણ હોય કે ન હોય…પરંતુ તમારા પર સતત એક ત્રીજી નજર વોચ રાખી રહી છે. તમારી પ્રત્યેક હીલચાલને તમામ સોશ્યલ મીડિયામાં બાઝ નજરે વોચ કરવામાં આવે છે. ડેટા ટ્રાન્સફરીનો આ ખેલ જ તો તેમનો મુનાફો છે. અન્યથા તમે શું તેમ માનો છો કે, તમે આખો દિવસ જે વોટ્સએપ અને એફબી હોંશેહોંશે મફતમાં વાપરો છે. તે તમને લ્હાણીમાં મળી રહ્યું છે. ત્યારે સમજી પણ લેજો અને જાણી પણ લેજો કે, મફતમાં દુનિયામાં કઈ જ નથી મળતું..હવેનું બઝાર સ્માર્ટ ચીટને આભારી છે. અહીં જે લોકોને લોકોની મફત મેળવવાની વૃત્તિને વટાવતા આવડે તેઓ ફાવી જાય છે..પણ લોકો તે સમજતા નથી કે, કોઈ કંપની દાન-પુણ્ય કરવા નથી બેસી. આ કંપનીઓ તમારો તમામ ડેટા મફતને નામે સગે વગે કરી બઝારમાં બેફામ વેચે છે. અને આ મુદ્દો એક નહિ પણ અનેકવાર ખુલી ગયો છે. અગાઉ 2016 માં અમેરિકી ચૂંટણીઓ સમયે પણ કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલર્સ ને લોકો ભૂલ્યા નહિ જ હોય…
- Advertisement -
વેલ, અસલમાં આ મુદ્દો હાલમાં જ વ્હોટ્સ એપ દ્વારા ખાનગી ડેટાના નામ પર જે પ્રપંચ રચવાની તૈયારીઓ ચાલી રહી છે, તેને લઈને આ ચર્ચા ફરી વિવાદમાં છે. જે દેખાવમાં તો મહજ ચંદ શબ્દોનું એક સામાન્ય નોટિફિકેશન જણાય છે. પરંતુ તેની અસલિયત અસલમાં એક સાજીશથી ઓછી નથી. જેનાથી સાત સમંદર પાર વિદેશમાં બેઠેલા સર્વિસ પ્રોવાઇડર , કે જેને ન આપણે જાણીયે છીએ કે ન તે લોકો તેમછતાં આપણી તમામ ગતિવિધિઓ અને ઇવન આપણી મુવમેન્ટની જાણકારી સોશલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ થતી રહેશે અને સાથે સાથે રેકોર્ડ પણ થતી જ રહેશે.
તમે જે તે મોલમાં કેટલી ખરીદી કરી, તમારી મુવમેન્ટ ક્યાં ક્યાં હતી? ભારતમાં હવે ગૂગલ અને વોટ્સ એપ પેમેન્ટ સેવાઓ પણ શરુ છે તો , જે જાણકારી તમારા પરિવારને પણ નહી હોય તે જાણકારી સોશ્યલ મીડિયા સર્વર થકી ત્યાં એકઠી થતી રહેશે. અને આ સાચા-જુઠા મેસેજોની મહાશાળા અર્થાત વોટ્સએપ યુનિવર્સીટી ભવિષ્યમાં આપણને કોઈક રીતે ભારે પડી શકે છે કે, જે આપણે આપણી મસ્તીમાં મદહોશીમાં બેલગામ તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. બાકી આ પ્રવૃત્તિ દેશની સુરક્ષાને પણ કયાક નુકસાન પહોંચાડી શકે છે. કેમ કે, આપણે દેશ પ્રેમના નામે પણ કેટલીય ખાનગી ચીજો સાચી હોય કે ખોટી તુરંત બટન દબાવી આગળ મોકલવામાં આપણી દેશભક્તિની ભાવના ફુલફિલ કરીયે છીએ. અન્યથા બ્રાઝીલે વોટ્સએપ પેમેન્ટને દસ જ દિવસમાં રોક લગાવી દીધી હતી. જે ડેટા પ્રાઇવસી સિસ્ટમને નુકસાન પહોંચાડતી હોવાથી બેન કરવામાં આવી હતી.
બાય ધ વે, વોંટેસ એપ તેના ફીચર અને નવા નીતિ નિયમો ની શરતો લાવી રહ્યું છે, ત્યારે તે પણ નોંધવું રહ્યું કે, આપણે આ સોશ્યલ મીડિયાના તે હદે આદિ થઇ ચુક્યા છીએ કે, કેટલાય એડિક્ટ થઇ ચૂકેલા લોકો ઉઠતા વેંત પથારીમાં જ મોબ સર્ફ કરવા લાગે છે. વોટ્સએપ વિનાની સવાર તેમને ચાના પ્યાલા વિનાની ફિક્કી સવાર જેવી લાગે છે , તો લેટ નાઈટ પણ આવા ફાલતુ સાચા-અને જુઠા મેસેજોની જ્ઞાન ગંગામાં જ તેઓ ડૂબકી લગાવતા રહે છે.. મતલબ કે આ એક તેવી મફતની લત છે કે, જેને માણ્યા વિના લાખો લોકો તરફડવા માંડે છે. અને સર્વિસ પ્રોવાઇડર માટે આ નિશાની તેના જાયન્ટ ગ્રોથની છે. અને આપણે માત્રને માત્ર તેમના પ્યાદા છીએ.
વિશેષ માં હાલ દુનિયાની વધુ નહીં તો 25 % જેટલી આબાદી અર્થાત 2 અરબ લોકો વોટ્સ એપ નો ઉપયોગ કરે છે. જેના દ્વારા લોકો એક દિવસમાં 60 અરબ મેસેજીસ ફોરવર્ડ અને રિસીવ કરે છે. જેમાં ભારત તે વોટ્સ એપ યૂજર્સનું મોટું બઝાર છે.પાછલા જુલાઈમાં જ આ અંગે જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં હાલ વોટસ એપ યુઝરના 40 કરોડ લોકો છે.
ત્યારે લોકોને તો રોકો નહી શકાય..પરંતુ આપણે હવે આપણી સાયબર પોલિસીઓ ચુસ્ત કરવી જોઈશે. અન્યથા જાણકારોને મતે, આ નવી પોલિસી આઇટી એકટનું ઉલ્લઘન છે, પરંતુ આ એક અમેરિકી કંપની છે અને તેનું મુખ્યાલય કેલિફોર્નિયામાં હોવાથી વોટ્સ એપ તેમ કહીને છૂટી રહ્યું છે કે, આ કાયદાઓ કેલિફોર્નિયાના કાયદાઓને આધીન છે. ત્યારે આ આખી એક ટેક્નિકલ અને સાયબર મેટર હોવાથી સામાન્ય લોકો તે સમજી શકવાના નથી. પરંતુ સમજી વિચારીને તેનો ઉપયોગ કરવો તે હવે આપણા હિતમાં છે. બીજું કે, ઓનલાઇન કંપનીઓને બદલે લોકલ બજારોને પ્રાધાન્ય આપી આપણી થોડી ડેટા ચોરીને આપણે અટકાવી શકીશું. ત્યારે ..હવે સમજી વિચારીને આપણી આ વહેતી વર્ચ્યઅલ જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવીએ તે ઇચ્છનીય છે….


