તાજ મહેલ અંગે દાખલ પીઆઇએલ ફગાવી
પુસ્તકોમાં તાજમહેલના નિર્માણ બાબતે ખોટી માહિતી રજૂ થતી હોવાનો અરજદારનો દાવો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તાજ મહેલ અંગે ખોટો ઇતિહાસ લખવામાં આવ્યો હોવાનો દાવો કરતી એક જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે એમ કહીને આ અરજીને ફગાવી દીધી હતી કે અમે અહીંયા ઇતિહાસને ફરી ખોલવા માટે નથી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ આર શાહ, સી ટી રવીકુમારે જાહેર હિતની અરજી કરનારા અરજદારને કહ્યું હતું કે તે આ મામલે એએસઆઇ સમક્ષ પોતાની રજુઆત કરી શકે છે. આ જાહેર હિતની અરજીમાં તપાસના આદેશ આપવા જેવુ કઇ જ નથી જણાતું.
અમે અહીંયા ઇતિહાસને ખોલવા માટે નથી બેઠા, ઇતિહાસ જેવો છે તેવો રહેવા દો. આ જાહેર હિતની અરજીને નકારવામાં આવે છે. સાથે જ અરજદારને અરજી પાછી ખેંચીને તેને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ) સમક્ષ રજુ કરવાની છૂટ આપવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટમાં આ પીઆઇએલ સુર્જિતસિંહ યાદવ નામના અરજદાર દ્વારા કરવામાં આવી હતી, જેમાં માગણી કરવામાં આવી હતી કે જે પણ પુસ્તકો છે તેમાં તાજ મહેલને બનાવવા અંગે જે ખોટો ઇતિહાસ આપવામાં આવ્યો છે તેને હટાવવા માટે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ આદેશ આપે. સાથે જ તાજ મહેલ કેટલા વર્ષ જુનો છે તેની જાણકારી મેળવવા માટે એએસઆઇ દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી. આવા કોઇ આદેશ આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી.