એક મહિના બીજીવાર આગની ઘટના
15 દિવસ પહેલા જ આ શ્રમિકો મેટોડા GIDCની કંપનીમાં કલર કામ માટે આવ્યા હતા અને ઓરડીમાં રહેતા હતા : પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની ભાગોળે આવેલા મેટોડા-GIDCમાં આવેલી શ્રમિકની ઓરડીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેમાં 5 શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવારમાં ખસેડાયા છે. આજે વહેલી સવારે દુર્ઘટના બની હતી. જેમાં ગેસ લીકેજ થતા ભડકો થયો હતો. આ દુર્ઘટના દાઝી ગયેલા પાંચેય શ્રમિકોને સારવાર માટે તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આજથી એક મહિના પૂર્વે પણ શાપરમાં આવેલ શ્રમિકની ઓરડીમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શ્રમિક પરિવાર આગની ઝપેટમાં આવ્યો હતો.
મળતી વિગત મુજબ આજે વહેલી સવારે મેટોડા જીઆઇડીસીના ગેટ નં.2 ખાતે ‘40 ઓરડી’ નામે ઓળખાતા બિલ્ડીંગની એક ઓરડીમાં અચાનક ઘડાકાના અવાજ સાથે આગ ભભુકી ઉઠી હતી અને દેકારો બોલી જતા આસપાસ રહેતા સ્થાનિકો અને શ્રમિકો દોડી આવ્યા હતા. જે ઓરડીમાં આગ લાગી હતી તેમાંથી દાઝેલી હાલતમાં વ્યકિતઓ બહાર દોડી આવ્યા હતા. દાઝેલા વ્યકિતઓમાંથી અમુક બેભાન થઇ ગયા હતા.
રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં આવેલી મેક પાવર કંપનીનું કારખાનું આવેલું છે. તેના શ્રમિકો કારખાનાની પાછળ આવેલા ડાયમંડ પાર્ક નજીક ઓરડીમાં રહે છે. આજે વહેલી સવારે અચાનક ગેસ લીકેજ થતા આગજનીનો બનાવ બન્યો હતો. આ મામલે મેક પાવર કંપનીના કોન્ટ્રાક્ટર દિનેશભાઈ વેકરીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજે સવારે 7 વાગ્યાની આસપાસ પાંચેય શ્રમિકો જે ઓરડીમાં રહે છે ત્યાં ગેસ લીકેજ થયો હતો અને આગ ભભૂકી હતી. જેને પગલે 108ની ટીમને જાણ કરીને તમામને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ પાંચેય શ્રમિકો સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં સારવાર હેઠળ છે. બનાવની જાણ થતા લોધીકા પોલીસનો કાફલો પણ દોડી આવેલો. દાઝી ગયેલા લોકોના પરિવારના સભ્યો અને સંબંધીઓ તરફથી મળતી વિગત મુજબ દાઝી ગયેલા લોકો મૂળ ઉત્તરપ્રદેશના છે. એક જ પરિવારના કૌટુંબિક સગા છે. 15 દિવસ પહેલા જ આ લોકો મેટોડા જીઆઇડીસીની એક કંપનીમાં કલર કામ માટે આવ્યા હતા અને અહીં ઓરડીમાં રહેતા હતા. હાલ તમામ સારવાર હેઠળ છે.
હોસ્પિટલમાં શ્રમિકો કણસતા જોવા મળ્યા
હોસ્પિટલમાં દાઝેલા શ્રમિકોને ખસેડવામાં આવ્યો ત્યારે દર્દભર્યા દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યાં શ્રમિકોના હાથમાંથી ચામડી ઉખડી જતા કસણી રહ્યા હતા. આગની ઘટનાને પગલે ચિચયારિયો થતા ઉપર રહેતા અન્ય મજૂરો પણ દોડી આવ્યા હતા.અને આગની ઝપેટમાં આવેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા 108ની ટીમને જાણ કરી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વિભાગમાં દાખલ કર્યા છે.
- Advertisement -
દાઝી ગયેલા શ્રમિકોના નામ
1. કમલેશ શ્યામરાજુ શખવાત (ઉ.વ.20)
2. રાહુલ વિનય બહાદુર શખવાત (ઉ.વ.18)
3. રોહિત હરિશંકર શખવાત (ઉ.વ.20)
4. મંગલીપ્રસાદ શ્રીશ્યામલાલ શખવાત (ઉ.વ.40)
5. મયંક રામલખન શખવાત (ઉ.વ.21)