મૂળીના સરોડી ગામે પત્ની છેલ્લા ઘણા સમયથી રીસામણે બેસી હતી. પત્ની રીસામણે બેસી હોવાના મનદુઃખ સાથે પતિ છરી લઇને સાસરીમાં પહોંચ્યો હતો. જ્યાં માથાકૂટ થતાં જમાઇએ સાસરિયાઓ પર હુમલો કર્યો હતો. જેમાં સાળી અને સસરાંનું મોત નીપજ્યું હતું, જ્યારે જમાઇને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ચોટિલા અને ત્યારબાદ રાજકોટમાં લઇ જવાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જમાઇ દ્વારા ડબલ મર્ડરની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે.

- Advertisement -
આ બનાવની વિગતો એવી છેકે, મૂળી ગામના હિતેશભાઇ ભરતભાઇ કોરડીયાની પત્ની મીનાબેન રીસામણે એના પિયર સરોડી ગામે હતી. આથી આજે બપોરે બાર વાગ્યાના સુમારે હિતેશભાઇ ભરતભાઇ કોરડીયાએ પોતાના સાસરે થાન તાલુકાના સરોડી ગામે પહોંચ્યો હતો અને છરી વડે સાસરીયા પક્ષના સભ્યો ઉપર ઘાતક હુમલો કર્યો હતો. આ બનાવમાં સોનલબેન દામજીભાઇ ચાવડા અને દામજીભાઇ હરીભાઇ ચાવડાને પેટના ભાગે છરી વાગતા લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
આ ઘટનામાં લલિતભાઇ દામજીભાઇ ચાવડા અને આરોપી હિતેશ ભરતભાઇ કોરડીયાની પત્ની મીનાબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ઘટનામાં ખુદ આરોપી હિતેશભાઇ ભરતભાઇ કોરડીયાને પણ ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. થાન પોલિસે ઘટના સ્થળે દોડી જઇ ડબલ મર્ડરનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


