ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા સિદ્ધપુર ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. સિદ્ધપુર ખાતે રૂ.૪.૪૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ નવીન બસ સ્ટેશન દ્વારા દૈનિક ૪૧ હજારથી વધુ મુસાફરોને મુસાફરલક્ષી સુવિધાઓ પ્રાપ્ત થશે.
રાજ્યના વિવિધ સ્થળોએ ૦૫ એસ.ટી. બસ સ્ટેશનના ઈ-લોકાર્પણ અને ૧૦ નવીન એસ.ટી. બસ સ્ટેશનના ઈ-ખાતમૂર્હૂત પ્રસંગે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, છેવાડાના માણસ સુધી એસ.ટી.ની સુવિધા પહોંચે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ભૂતકાળમાં એસ.ટી. બસના સમયની અનિશ્ચિતતાથી વિપરીત મુસાફરોને સમયસર બસ અને બસ સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધાઓ મળી રહી છે. સરકારી કચેરીઓને કોર્પોરેટ લુક અને શાળાઓમાં સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ જેવી આધુનિક સુવિધાઓની જેમ એસ.ટી. વિભાગ દ્વારા બસપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં વૃદ્ધો માટે વ્હિલચેર, સામાન માટેની ટ્રોલી તથા જરૂરિયાતની વસ્તુઓ માટે સ્ટોલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૧ના પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને નૂતન વર્ષની ભેટ આપતાં નવી ૧,૦૦૦ બસની ખરીદી કરી આગામી જૂન મહિના સુધીમાં મુસાફરોની સેવામાં મૂકવાની જાહેરાત કરી હતી. સાથે જ રાજ્યમાં સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન સેવા માટે નવી ૫૦ ઈ-બસ મુકવાની પણ ઘોષણા કરી હતી.
સિદ્ધપુર નવીન બસ સ્ટેશનના ઈ-લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, વર્ષના પ્રથમ દિવસે જ રાજ્ય સરકાર દ્વારા સિદ્ધપુર સહિતના સ્થળોને આધુનિક બસ સ્ટેશનની ભેટ આપી છે. વર્ષો પહેલાના જર્જરીત બસ સ્ટેશન અને ખખડધજ બસોને સ્થાને રાજ્ય સરકાર દ્વારા બસ પોર્ટ અને નવી એસ.ટી. બસ શરૂ કરાવી જનસામાન્યને પરિવહનનો ઉત્તમ પર્યાય પૂરો પાડ્યો છે. એસ.ટી. દ્વારા રાજ્યભરની દિકરીઓને શિક્ષણ માટે મફત પાસ અને સ્વાતંત્ર્ય સેનાનીઓને મફત મુસાફરી કરાવી ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, જી.પી.એસ. જેવી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ એસ.ટી. બસના સતત મોનિટરીંગ થકી મુસાફરોને સમયસર અને સલામત બસ સુવિધા મળી રહી છે. સાથે જ નવીન બસપોર્ટ અને બસોની સ્વચ્છતા અને તેની જાળવણીની જવાબદારી નાગરિકોએ અદા કરવાની છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ નવીન બસ સ્ટેશનની તકતીનું અનાવરણ પણ કર્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા સિદ્ધપુર ખાતે રૂ.૪.૪૩ કરોડના ખર્ચે ૧૬,૭૬૩ ચો.મી. વિસ્તારમાં ૧૦ પ્લેટફોર્મ્સ, વેઈટીંગ હૉલ, કંટ્રોલ રૂમ, એડમીન રૂમ, પાસ રૂમ, ઈન્કવાયરી રૂમ, સ્ટોર રૂમ, કિચન સહિતની કેન્ટીન, વૉટર રૂમ, પાર્સલ રૂમ, સ્ટોલ્સ, શૌચાલય સહિતનો લેડિઝ રૂમ અને મુસાફરો માટે શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓયુક્ત બસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેમ્પની સુવિધા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિદ્ધપુર નવીન બસ સ્ટેશન પરથી દૈનિક વિદ્યાર્થીઓ માટે ૪૫ ટ્રીપ, ૩૬ એક્સપ્રેસ ટ્રીપ અને ૬૫૦ લોકલ ટ્રીપ મળી કુલ ૮૫૬ ટ્રીપ દ્વારા ૪૧ હજારથી વધુ મુસાફરોને સમયસર અને સલામત બસ સુવિધા સાથે આધુનિક બસ સ્ટેશનની મુસાફરલક્ષી સુવિધાઓ પ્રાપ્ત થશે.
આ પ્રસંગે જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત, પૂર્વ સંસદસભ્યશ્રી દિલીપભાઈ પંડ્યા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, એસ.ટી. વિભાગના વિભાગીય નિયામકશ્રી જે.એચ.સોલંકી, પ્રાંત અધિકારી સુશ્રી સુપ્રિયા ગાંગુલી, એસ.ટી. વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેઠી નિલેષ પાટણ


