‘મહિલા સશક્તિકરણ’ની વાતો કરતાં તેનું જીવંત ઉદાહરણ વધુ અસરકારક પૂરવાર થતું હોય છે એટલું જ નહીં પણ સમાજને નવી રાહ ચિંધવા માટે પણ તે મહત્વનું બનતું હોય છે. રાજકોટના મહિલા કલેકટર રેમ્યા મોહન આવા જ એક મહિલા છે. સિવિલ સર્વિસના સપનાથી લઈને તેમની સંઘર્ષની કહાની ઘણી રસપ્રદ છે. દરેક વ્યક્તિની જિંદગીમાં મોટા પેકેજની નોકરી એ એકમાત્ર સપનું હોય છે પણ રેમ્યા મોહનને મોટા પેકેજની નોકરી કરતાં કંઈક અલગ કરવું હતું અને બસ, પછી શરૂ થયો તેમનો સંઘર્ષ… નાનપણમાં સતત બદલાતા રહેતાં સપના સહિતની અનેક રસપ્રદ વાતો રેમ્યા મોહને ‘ખાસ ખબર’ સાથે શેર કરી હતી.

રિપોર્ટર: સ્કુલમાં કયારેય પનિશમેન્ટ મળી છે ખરાં?
કલેકટર રેમ્યા મોહન: હા, કયારેક કલાસની બહાર ઊભા રહેવાની પનિશમેન્ટ મળી છે ખરા. બધાની જેમ ટિચર્સના ‘નામ’ પણ રાખ્યા હતા. જો કે હવે એ યાદ નથી.
- Advertisement -
રિપોર્ટર: નાનપણથી જ સિવિલ સર્વિસને લઈને ગંભીર હતા કે કેમ?
કલેકટર રેમ્યા મોહન: મારા પિતા કાર્ડિયાક સર્જન છે અને માતા લિટચેરમાં હતા. મેં મારા પિતાને સતત કામ કરતાં જોયા છે. તેમને જોઈને મને પણ તેમની જેમ કામ કરવાની ઈચ્છા થતી. નાનપણમાં તો ક્યારેક ડોક્ટર તો ક્યારેક પ્રોફેસર બનવાનું મન થતું. સિવિલ સર્વિસ વિશે ક્યારેય વિચાર્યું ન હતું.
રિપોર્ટર: ફૂરસતના સમયમાં શું કરવું ગમે?
કલેકટર રેમ્યા મોહન: મને રિડીંગ (વાંચવુ) કરવુ ખૂબ ગમે. પહેલા તો અંગ્રેજીમાં કવિતા લખતી પરંતુ હવે એ બધુ છૂટી ગયુ છે. મને મોર્ડન લિટરેચર વાંચવુ ગમે. તેમાં આર.કે.નારાયણ, રસ્કીન બોન્ડના પુસ્તકો પણ વાંચવા ગમે. મારી પાસે ઘણાં પુસ્તકો હતા. હવે ટ્રાન્સફર થતી રહેતી હોવાથી પુસ્તકો નહીં પણ વાંચવા માટે કિંડલનો ઉપયોગ કરું છું. બાકી મારી ઘરે પેટ્સ પણ છે. ફૂરસતમાં તેમની સાથે અને પરિવાર સાથે સમય પસાર કરવો ગમે.
રિપોર્ટર: સિવિલ સર્વિસમાં સફળતા મળી ન હોત તો?
કલેકટર રેમ્યા મોહન: …તો સોશ્યલ સેક્ટરમાં પ્રયાસ હોત પરંતુ કોર્પોરેટ જોબ તો ન જ કરત.
- Advertisement -
રિપોર્ટર: …તો સિવિલ સર્વિસમાં કઈ રીતે આવ્યાં?
કલેકટર રેમ્યા મોહન: અંગ્રેજી લિટરેચરમાં ગ્રેજ્યુએશન કર્યા પછી MBA કર્યું હતું. MBA કર્યા પછી કોર્પોરેટ કંપનીમાં કામ કરવાનું સપનું હતું. જે પૂરું પણ થયું. ખૂબ સારા પેકેજની જોબ મળી. પરંતુ તેમાં જોબ સેટિસફેશન ન હતું. મારા મમ્મીની ઘણા સમયથી ઈચ્છા હતી કે હું સિવિલ સર્વિસ માટે પ્રયત્ન કરું.
રિપોર્ટર: કોર્પોરેટ કંપનીમાં મોટું પેકેજ મળ્યા પછી સિવિલ સર્વિસની તૈયારી માટે છોડી દેવી એ થોડું રિસ્કી ન લાગ્યું?
કલેકટર રેમ્યા મોહન: સામાન્ય રીતે આમ કરવું અઘરું હોય છે. પરંતુ મને પરિવારનો પૂરો સહકાર હતો. મેં અન્ય એક IAS અધિકારીની કાર્યશૈલી નજીકથી જોઈ હતી. તેથી કંઈક કરવાના ઈરાદા સાથે જ મોટા પેકેજની જોબ છોડી દીધી.
રિપોર્ટર: સિવિલ સર્વિસની તૈયારી દરમિયાન ક્યારેય નિરાશ થઈને બધુ મૂકી દેવાનું મન થયું હતું ખરાં?
કલેકટર રેમ્યા મોહન: મારી પાસે માત્ર 4 અટેમ્પટ હતા. જયારે 2 સ્ટેમ્પટ કર્યા પછી સફળતા ન મળી તો મમ્મી થોડા અપસેટ થઈ ગયા હતા. પરંતુ મહેનત કરવો એ જ વિકલ્પ હતો. આખરે ચોથા અને છેલ્લા અટેમ્પટ પછી મને સફળતા મળી. જો કે સિવિલ સર્વિસની તૈયારી કરવી એક તપસ્યા જેવું છે. આ દરમિયાન કોઈ વેકેશન જેવુ પણ હોતુ નથી. દિવસના 18 કલાક જેટલી મહેનત કરવી પડતી હોય છે. આમ પણ આ 4 વર્ષ દરમિયાન બીજું ઘણું શીખવા પણ મળ્યું.
રિપોર્ટર: કારકીર્દિ દરમિયાનની યાદગાર ક્ષણ?
કલેકટર રેમ્યા મોહન: 1 મૂક બધિર વૃધ્ધને મળી હતી. તેઓ 20 વર્ષથી ફેમિલી પેન્શન માટે ધક્કા ખાતા હતા. અમુક નિયમોને કારણે તેમનું પેન્શન અટકેલું હતું. તેઓ મૂક બધિર હોય લખીને તેમની વાતો રજૂ કરતાં. થોડા ઘણા પ્રયાસો પછી આખરે તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો. એ સમયે તેમના ચહેરા પરની ખુશી કયારેય નહીં ભૂલાય.
રિપોર્ટર: રાજકોટની કઈ વાનગી ભાવે?
કલેકટર રેમ્યા મોહન: સફેદ પેંડા. આમ તો બધા જ પેંડા ભાવે.
રિપોર્ટર: રાજકોટની કઈ બાબત વધુ ગમે?
કલેકટર રેમ્યા મોહન: અહીંના લોકોની ‘પોતિકાપણા’ ની ભાવના મને બહુ જ ગમે છે. અહીંના લોકો તમને પોતાના સમજે જે ભાગ્યે જોવા મળતું હોય છે. અહીં વહીવટી તંત્રનું માળખું ઘણું પ્રોફેશનલ છે જે અન્યત્ર જોવા નથી મળતું. મારા બેચમેટ અન્ય લોકેશન પર છે. તેમની સાથે વાતચીત કરતાં આ વાતનો ખ્યાલ આવ્યો.


