-રીના બ્રહ્મભટ્ટ
2020નો છેલ્લો દિવસ એટલે કે , 31 ડિસેમ્બરે અમદાવાદના એક બ્રાન્ડેડ જેવેલરી શો રૂમે 1.50 કરોડનું અધધ વેચાણ આ કપરા કાળમાં પણ કર્યું. ત્યારે મંદી, બેરોજગારી અને કોરોનાના દુષ્ચક્ર અંગે ક્યાંક સત્ય તો ક્યાંક ભ્રમણાઓ પ્રવર્તતી હોય તેમ લાગે છે. કેમ કે, આપણી વચ્ચે આજે એક વર્ગ અડીખમ ઉભો છે. કોરોના કે મંદી તેનું કઈ બગાડી શકી નથી. સોનુ અર્થાત પીળી ધાતુનો મોહ આજે પણ આ વર્ગથી લઈને મધ્યમવર્ગમાં આજે પણ એક આકર્ષણ અને સુરક્ષા પ્રદાન કરી રહ્યો છે. તેમાં પણ આ બદલાયેલ વૈશ્વિક પરિદ્રશ્યમાં લોકો પોતાના ભવિષ્યને અન્ય ચીજોના રોકાણને બદલે સોનામાં વધુ સુરક્ષા જોઈ રહ્યા છે. સોનાનો ભાવ પાછલા કેટલાક સમયથી ટોચ પર છે, થોડો ઉતાર આવ્યો છે. તેમછતાં લોકોનો મોહ અકબંધ છે.
તેમાં પણ ખાસ તો ભારતીયોનો સોના પ્રત્યેનો લગાવ સદીઓથી અતૂટ રહ્યો છે. આ અંગે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય પરિવારો પાસે
લગભગ 950 અરબ ડોલર (49, 400 અરબ રૂપિયા ) મૂલ્યનું સોનુ છે . વૈશ્વિક અનુસંધાન ફર્મ મેકકવેરીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અહીં સોનું રાખવું તે દેશની પરમ્પરા અને સંસ્કૃતિનો હિસ્સો છે. ભારત સોનાનો સૌથી મોટો વપરાશકર્તા દેશ છે. ચીનનો નંબર તેના પછી આવે છે.
- Advertisement -
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય પરિવારો પાસે 18000 ટન સોનુ છે. જે સોનાના વૈશ્વિક ભંડારના કુલ 11 % જેટલું છે. ત્યારે વિચારો કે, સોનામાં ઇન્વેસ્ટમેન્ટ મામલે આપણે કેટલા આગળ છીએ? વિશેષમાં આ સોનુ ભારતના સકલ ઘરેલુ ઉત્પાદનના 50 % જેટલું છે. જો, કે પાછળ ના કેટલાક વર્ષોમાં સોનાની કિંમતોમાં 64 % જેટલો વધારો થયેલો હોવા છતાં લોકો કોઈપણ સ્થિતિમાં સોનુ ખરીદવા લોકો ઉત્સુક હોય છે. આજે જ નહી પરંતુ લોકો સદીઓ અગાઉ પણ સોનુ સિક્કા, ઘરેણાં , લગડીઓના સ્વરૂપમાં સોનુ સંઘરી રાખતા અને કોઈપણ કઠિન સ્થિતિમાં પણ આ સોનુ વેંચતા નહીં. બાપ-દાદાની આવી મિલ્કતો લોકોને વારસામાં મળતી. અને તેમાં પણ ખાસ તો સ્ત્રીઓની આ એક તેવી નિજી સંપત્તિ હોય છે કે, જે તેને લગ્ન સમયે પિયર અને સાસરી પક્ષમાંથી પણ ગિફ્ટમાં કે દહેજ સ્વરૂપે મળે છે, અને તેઓ આ તેના કબ્જામાં જ રાખે છે. મતલબ કે, સોનુ તે ખાસ તો ભારતમાં સ્ત્રીઓની નિજી સંપત્તિ હોય છે. અને સાથે સાથે તેમની સજાવટ, સજ્જા અને કુટુંબના મોભાનું ચિહન પણ હોય છે. કે જેનાથી તેમનો જ નહીં કુટુંબનો પણ એક મોભો સમાજમાં બનતો.
ખેર, આ તો વાત થઇ ભારતીયોની સોનાને લઈને પરંપરાઓ, માનસિકતા અને સામાજિક સ્ટેટ્સની પરંતુ આ ધાતુ દુનિયાના કેટલાય દેશોની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.દીર્ઘકાલીન નિવેશના રૂપમાં સોનુ આજે પણ લોકપ્રિય છે. પરંતુ અત્રે તે પણ નોંધવું રહ્યું કે, પાછલા વર્ષે જ સોનાના ઉત્પાદનમાં 1 % નો ઘટાડો નોંધાયો હતો. સોનાના ઉત્પાદનના પાછળના એક દાયકામાં આવેલ આ સૌથી મોટી ગિરાવટ છે.
ત્યારે જાણી લો કે, આ અંગે કેટલાક જાણકારોનો તર્ક છે કે, ખાણોમાંથી સોની નીકાળવાની સીમા હવે પુરી થઇ ચુકી છે. અને બઝારમાં હાલ જે સોનુ આવે છે
તે મોટાભાગે રીસાઇકલ થયેલું આવે છે. આ અંગેના એક રિસર્ચ મુજબ , પાછલા 20 વર્ષમાં સોનાની જેટલી પણ આપૂર્તિ થઇ છે તેના 30 % જેટલું સોનુ તો રિસાઇકલિંગથી જ આવે છે. પરંતુ આ બધી પ્રક્રિયામાં ઝેરી રસાયણોનો ઉપયોગ થતો હોવાથી તે પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે. પરંતુ એમેઝોન ના જંગલોમાં પણ આ પ્રમાણે ગેરકાયદે ખનન થતું હોવાથી અહીં પર્યવરણીય જોખમ ઉભું થયું છે. જે તેના આસપાસના વિસ્તારને જ નહી સમગ્ર દુનિયાને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરી શકે છે.
- Advertisement -
ત્યારે કહેવાનો આશય છે કે, ખાણોમાંથી અને જંગલોમાંથી સોનુ ખોદીને કાઢવાની લિમિટ કદાચ પુરી થવા પર છે. કેમ કે, માણસો સદીઓથી આ પીળી ધાતુ પાછળ લાગેલો છે. અને રોજિંદા જીવનમાં લોકો વત્તે ઓછે અંશે સોનુ ધારણ કરતા હોય છે. જેને પગલે સોનાનો મોટો હિસ્સો આ જવેલરી બનાવવા પાછળ જ દુનિયાભરમાં વપરાય છે.
વળી અત્યારની સ્થિતિમાં મોટાભાગના દેશોમાં સરકારી ખજાનાનો હિસ્સો આ મહામારી પાછળ વપરાઈ રહ્યો છે. તે સ્થિતિમાં કરન્સી છાપવા પણ મોટી રકમ ઉધાર લેવામાં આવી રહી છે. ત્યારે આ કરન્સી છાપવાના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પર પણ જે તે દેશ પાસે સોનાનું પ્રમાણ જોવામાં આવતું હોય છે. તેથી જ સોનુ ના કેવળ સાજ -સજ્જા માટે છે બલ્કે ઇકોનોમીની મજ્બુતી માટે પણ જરૂરી ધાતુ છે.સોનામાં તમે ધારો તો, હાઈ રિટર્ન માટે સોના ના આભૂષણ, ગોલ્ડ બાર અને સોનાના સિક્કા, ગોલ્ડ માઈનિંગ કંપનીઓના શેર ખરીદવા, ગોલ્ડ ફન્ડ્સ ઓફ ફંડ્સ , ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જેવાં રોકાણો કરી શકો છો..
અને આખરે આઝાદીના જંગમાં પણ ભારતીય સ્ત્રીઓએ આઝાદીના લડવૈયાઓની માંગ પર સોનુ અર્પણ કર્યું હતું.. તો આજે લોકો દેશ માટે નહી તો ભગવાન તિરૂપતિ બાલાજીના ચરણોમાં કરોડોનું સોનુ ચડાવતા રહે છે. પદ્મનાભન મંદિરના સોનાનો ખજાનો એક રહસ્ય જેવો છે. અને તે સિવાય પણ ભારતના મંદિરોમાં કરોડોનું સોનુ આજેપણ પડેલું છે. સરકારે લોકોને સોનુ રાખવાની એક નીતિ નક્કી કરી આપી છે. પરંતુ ભારતીયો આ નીતિ માટે જલ્દી તૈયાર ન થઇ શકે કેમ ,કે તેમની કમાણીનો કેટલોક હિસ્સો લોકો સોના પાછળ ખરચે જ છે. અહીં દેવોથી લઇ સ્ત્રીઓ સુધી સોનુ વ્હાલું છે. સોના માટે અપરાધો તે પણ કોઈ નવી વાત નથી. ત્યારે સોનાની ખાણોમાં અગર સોનુ ખૂટી રહ્યું છે, તો આગામી સમય માં શું આપણને રિસાયકલ સોનુ જ મળશે ? કે સોનાની જગ્યા કોઈ અન્ય ધાતુ લઇ શકશે …બાકી સોના વિના કોઈપણ ધાતુના સિક્કાની ચમક આજે પણ ફિક્કી જ છે. તેથી જ આ મંદીમાં પણ લોકો સોની ખરીદવા વારે તહેવારો ધસારો કરે છે તે પણ એક હકીકત છે.


