ખાસ ખબર સંવાદદાતા
ગીર સોમનાથમાં મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. જિલ્લાનું ચૂંટણી તંત્ર ભારતના ચૂંટણી આયોગની સીધી દેખરેખ હેઠળ ચૂંટણી કરાવવા તૈયાર છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા જિલ્લામાં કેટલાક વિશિષ્ટ મતદાન મથકો પણ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં ‘ગ્રીન મતદાન મથકો’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના દર્શાવતા વિશિષ્ટ મતદાન મથકોનો સમાવેશ થાય છે.ગીર સોમનાથમાં 91-તાલાલા વિધાનસભા મતદાર વિભાગના કુલ-4 મતદાન મથક તથા 93-ઉના વિધાનસભા મતદાર વિભાગના કુલ-10 એમ કુલ-14 મતદાન મથકો ગ્રીન મતદાન મથકો નકકી કરવામાં આવેલ છે.
જેમને પ્રાકૃતિક રીતે શણગારવામાં આવશે અને જ્યારે પણ મતદારો મતદાન માટે આવે ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા પોષણયુક્ત ઔષધિય રોપાનું વિતરણ કરવામાં આવશે.જ્યારે 14મી અને 17મી સદી દરમિયાન ભારતમાં ગુલામ તરીકે આવેલા પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્દીઓ જાંબુર આવી વસેલા છે. જેઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ મતદાન મથકોના મહત્તમ મતદારો આફ્રો-એશિયન સીદી સમુદાય સાથે સંકળાયેલા છે. ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના મુજબ આ મતદાન મથકો માટે ‘વસુધૈવ કુટુમ્બકમ’ થીમ નકકી કરેલી છે.