ખાસ-ખબર સંવાદદાતા
લોકશાહીનો પર્વ એટલે ચુંટણી અને આ ચુંટણીમાં મતદારો રાજા ગણાય છે ત્યારે કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય એ માટે જૂનાગઢ ચુંટણી પંચ દ્વારા ખાસ આયોજન થઈ રહ્યું છે જેમાં જૂનાગઢના ગિરનાર અને ગીર જંગલમાં વસતા માલધારીઓ માટે તેમના નેસ નજીક એનિમલ કેર પોલિંગ બુથની વ્યવસ્થા કરવામાં આવશે જ્યાં વેટરનરી ડોક્ટર્સની ટીમ મતદારોના પાલતુ પશુઓની સંભાળ રાખશે અને જરૂરી તબીબી ચકાસણી અને સારવાર કરશે. જૂનાગઢ માં જિલ્લા કલેકટર દ્વારા અત્યાર સુધીનું સૌથી વધુ 82 %મતદાન થાય તે માટે તમામ પ્રયત્નો હાથ ધરાયા છે. આ લક્ષ્યાંકને હાંસિલ કરવા ગિરનાર અને ગીર જંગલમા વસતા અંદાજે 10000 લોકો માટે ખાસ પોલિંગ બુથ બનાવવામાં આવશે એમ જિલ્લા કલેકટરે જણાવ્યું છે. ગીર જંગલના માલધારીઓ દેશના નાગરિક છે અને તેમને પણ મતાધિકાર મળેલો છે પરંતુ છેલ્લાં કેટલા વર્ષો ની માંગ છતાં ખાસ પોલિંગ બુથ ની વ્યવસ્થા ન હોય આ મતદારો મતદાનમાં સંપૂર્ણ અધિકાર નો ઉપયોગ કરી શકતા ન હતા.
આથી આ વખતે જિલ્લા ચુંટણીપંચ દ્વારા ખાસ બુથોની વ્યવસ્થા કરવામાં આવશે જે નેસથી નજીક હોય અને મતદારો ને મત આપવામાં મુશ્કિલ નહિ પડે. સામાન્ય માલધારીઓ પશુપાલકો હોય છે જે એમના પાલતુ જાનવરોને છોડી મતદાન ની લાઈનમાં ઉભવા અસમર્થ હોય છે આથી જ ખાસ માલધારીઓ માટે આ પ્રકારના બુથનું આયોજન દેશના ચુંટણીપંચની પરવાનગીથી કરવામાં આવશે જે દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત હશે. આ અંગે માલધારીઓના અભિપ્રાય પણ લેવામા આવ્યા છે તેઓ ખુશ છે અને લોકોને મતદાન માટે અપીલ પણ કરી રહ્યા છે જે લોકશાહીના પર્વ માટે ગર્વ ની વાત છે કે એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય.



