ચા-દૂધ-કોફી કપના રૂા.15, નાસ્તાના રૂા.25ના ભાવપત્રક જાહેર કરતું પંચ
ચૂંટણી પંચ દ્વારા જે ભાવપત્રક તૈયાર કરવામાં આવ્યા છે તે જ ભાવ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચમાં દર્શાવવાનો રહેશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોંઘવારી તો વિધાનસભાની ચૂંટણી લડનારા ઉમેદવારોને પણ નડશે. કારણકે ઉમેદવારની ખર્ચ મર્યાદા 40 લાખ નક્કી કરાઈ છે. તેની સામે ખાણી-પીણીથી લઈને ખુરશી-ટેબલ સહિતના ફર્નિચર, મંડપ, ડેકોરેશન સહિતની તમામ બાબતોમાં ભાવવધારો જોવા મળે છે. વિધાનસભાની ચૂંટણી માટે ચીજવસ્તુઓનો ભાવપત્રક ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે જે ભાવો નિયત કર્યા છે તે ભાવ ઉમેદવાર કે રાજકીય પક્ષોએ અનુસરવાનો રહેશે. જે ભાવપત્રક તૈયાર કરવામાં આવ્યું છે તે પ્રમાણે એક કપ ચા, કોફી અને દૂધનો ભાવ રૂ. 15 નક્કી કરાયો છે. એક ગ્લાસ લીંબુ પાણી પણ રૂ. 15માં પડશે. વર્ષ 2017માં આ તમામનો ભાવ રૂ. 10 હતો એટલેકે રૂ. પાંચનો ભાવ વધારો આપવામાં આવ્યો છે. જયારે એક ડીશ બટાકાપૌંવા અને ઉપમાનો ભાવ રૂ. 25-25 નક્કી કરાયો છે.
ભોજનની સાદી થાળીનો ભાવ રૂ. 100 અને ફરસાણ તથા મિઠાઈ સાથેની થાળીનો ભાવ રૂ. 220 નક્કી કર્યો છે. સાદી થાળીમાં પુરી અથવા રોટલી ઉપરાંત શાક-ભાત-પાપડ-સલાડ-છાશનો સમાવેશ થાય છે. જયારે આજ મેનુમાં ફરસાણ તથા મિઠાઈનો ઉમેરો થાય તો તે થાળીનો ભાવ ડબલ કરતાં પણ વધુ નક્કી કરવામાં આવ્યો છે. ગત 2017માં સાદી થાળીનો ભાવ રૂ. 70 અને મિષ્ટાન સાથેની થાળીનો ભાવ રૂ. 100-120 વચ્ચે રખાયો હતો.