મોરબીના ઝુલતા પુલની દુર્ધટનાને પગલે રાજ્યનો શહેરી વિકાસ વિભાગ એક્શનમાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવાયા છે.
ઓરેવાના જયસુખ પટેલ હરિદ્વારમાં હોવાની ચર્ચા
- Advertisement -
બીજી બાજુ મોરબી દુર્ઘટના બાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું પણ લોકેશન મળી આવ્યું છે. ઓરેવાના જયસુખ પટેલ હરિદ્વારમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વારમાં હોવાની ચર્ચા થઇ રહી છે. જણાવી દઇએ કે, જયસુખ પટેલનો બંગલો હરિદ્વારમાં છે. રવિવારની મોરબીની દુર્ઘટના બાદ જયસુખ પટેલ ગાયબ છે. ત્યારે તેઓ પરિવાર સાથે હરિદ્વાર ગયાની શક્યતા સેવાઇ રહી છે.
ગઇકાલે રેસ્કયુ ઓપરેશન પૂર્ણ કરી દેવાયું
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સતત 5માં દિવસે મોરબીના ઝુલતા પુલની દુર્ધટનાને પગલે ચાલતું રેસ્કયુ ઓપરેશન પૂર્ણ થઇ ગયું હતું. આ અંગે રાહત કમિશનરે જાણ કરી હતી. તમને જણાવી દઇએ કે, મચ્છુ નદીમાં વિવિધ તપાસ ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં NDRF, SDRF, નેવી આર્મી સહિતની ટીમો કામે લાગી હતી. આ દુર્ઘટનામાં 136 લોકોએ ગુમાવ્યા જીવ હોવાનું સામે આવ્યું છે. જેને લઇને રાહત કમિશનરે આજે મોરબીની મુલાકાત લિધી હતી જ્યાં તમામ અધિકારીઓ અને કલેક્ટર સાથે બેઠક યોજી હતી.આ દરમિયાન રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ કરવા નિર્ણય લીધો હતો.આ દરમિયાન બચાવ કાર્યમાં સહયોગ આપનારા તમામ તેમજ પત્રકારોનો કલેક્ટરે આભાર માન્યો હતો.
- Advertisement -
મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા
આપને જણાવી દઇએ કે, મોરબીમાં ઝુલતો પુલ તુટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા છે. ત્યારે રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાયેલા NDRFના અધિકારીએ જણાવ્યું કે, આખી રાત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. 6 બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી, જ્યારે 4 બોટને રિઝર્વમાં રખાઇ હતી. ત્યારબાદ આજે 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે.
રાજ્યવ્યાપી શોક મનાવાયો હતો
આ ગોઝારી ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવ્યો હતો. ગત તા.2 ના રોજ સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભા સહિત કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો. તેવી જ રીતે સુરત અને રાજકોટમાં કોર્પોરેશન, કલેક્ટર, જિલ્લા પંચાયત સહિત દરેક સરકારી કચેરીમાં આજે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, વધુમાં મોરબી બાદ રાજકોટ બાર એસોસિયેશન દ્વારા પણ એક વિશાળ મૌન રેલીનું આયોજન કરીને મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. એટલું જ નહીં વકીલ મંડળે આરોપીઓ તરફી કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો હતો.