એવું તો શું હતું કે ઈઈઝટ પર સફેદ કપડાં ઢાંકવા પડ્યા ?
મોરબી તંત્રએ બેશરમીની હદ વટાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાએ અનેક માનવ જીંદગીને પળવારમાં જ લાશોના ઢેર બનાવી દીધી અને આ માનવસર્જિત હત્યાકાંડ બાદ વહીવટી તંત્રએ તો સમયસર પહોંચવાની પણ તસદી નહોતી લીધી, લોકોએ પણ તંત્રના ભરોસે બેસી રહેવાને બદલે અપના હાથ જગન્નાથ સમજી જાતે જ રેસ્ક્યુ સહિતના કામ આરંભી દીધા હતા એટલું ઓછું હોય તેમ ગઈકાલે મંગળવારે તંત્રએ તો બેશરમીની હદ પાર કરી દીધી હતી અને જે નગ્ન સત્ય બહાર આવે તે જરૂરી જ નહીં, આવશ્યક છે, જે લોકો જાણે તે જરૂરી જ છે તેને છૂપાવી રાખવાના બદઈરાદાથી સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર પર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાને શંકાસ્પદ રીતે અથવા તો શંકા પ્રેરે તેવું કૃત્ય કરવા માટે સફેદ કપડાથી ઢાંકી દેવાયા હતા આવી શંકાસ્પદ અને વિવાદાસ્પદ કુચેષ્ટા કરવા પાછળ હોસ્પિટલ તંત્રના મલિન ઇરાદા સામે આવ્યા વિના રહેતા નથી. એવું ક્યું નગ્ન સત્ય છે કે જે તંત્ર છૂપાવવા માંગે છે કે ઢાંકપીછોડો કરવા માગે છે ?
વડાપ્રધાનની મુલાકાત પહેલા જ હોસ્પિટલ તંત્ર દ્વારા મેઈન ગેટ તેમજ અલગ અલગ રસ્તા પરના સીસીટીવી કેમેરા પર સફેદ કપડા બાંધી દેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવતાની સાથે જ હોસ્પિટલના પોલીસ તંત્ર દ્વારા લોકોને અંદર જતા રોકવામાં આવ્યા હતા અને માત્ર દર્દીના સગા હોય તેમણે જ જોવા અંદર આવવું તેવી તેવી સૂચના આપવામાં આવી હતી.
હાલ સીસીટીવી કેમેરા પર આ સફેદ પાટા કેમ બાંધવામાં આવ્યા છે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી જો કે તંત્ર કેમેરામાં કેદ ન થાય તેવું ક્યું સત્ય ઢાંકવા માગે છે તે તપાસનો વિષય બની ગયો છે. તંત્ર અહીં અપાતી સારવાર જગજાહેર ન થાય તેવું ઇચ્છે છે કે પછી મોતનો આંક લોકો ન જાણે તેવી તંત્રની ઇચ્છા છે એ પણ મુદો લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. બીજી તરફ મોદી જે વોર્ડની મુલાકાત લેવાના હતા એ વોર્ડને કલરકામ કરી દેવાયું, બેડશીટ બદલી લેવાઇ અને અત્યાર સુધી જે કુલરમાં પાણી નહોતા આવતાં તે કુલરમાં પીવાના પાણી આવવા લાગ્યા એ ચમત્કાર લોકોની નજરમાંથી છાના નથી રહ્યા ત્યારે હોસ્પિટલ તંત્રની ખુલ્લી રીતે સત્ય છુપાવવાની હરકત અનેક સવાલો જગાવનારી બની રહી છે.