- નોઇડા, ગુરૂગ્રામ, ગાઝીયાબાદ સહિતના અન્ય શહેરોમાં પણ સમાન હાલત
પાટનગર દિલ્હીને ભયાનક પ્રદુષણમાંથી એક દિવસની રાહત મળ્યા બાદ ફરી હવા ઝેરી બની ગઇ છે. આજે સવારથી જ ધુમાડાની ચાદર છવાઈ ગયાની સ્થિતિ વચ્ચે પ્રદુષણની માત્રા 500ને પાર થઇ ગઇ છે. મંદ પવન તથા પરાલીના ધુમાડા અને છઠ્ઠ પરની આતશબાજીને કારણે ફરી પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચ્યું હોવાનું મનાય છે.
કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જારી કરાયેલા આંકડાકીય રીપોર્ટ પ્રમાણે દિલ્હીના આનંદ વિહારમાં એકયુઆઈની માત્રા 591ના સ્તરે પહોંચી છે જ્યારે નોઇડામાં 444 તથા ગાઝીયાબાદમાં 407 હતી. એર ક્વોલીટી ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરે પહોંચવાને પગલે હવે સીવીયર કેટેગરીમાં આવી ગઇ છે. દિલ્હી નોઇડા ઉપરાંત ગુરુગ્રામ, ફરીદાબાદ સહિતના શહેરોમાં પ્રદુષણ સ્તર ખતરનાક છે.
- Advertisement -
પ્રદુષણના ખતરનાક સ્તરને પગલે દિલ્હી-એનસીઆરમાં ત્રીજા તબક્કામાં નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. જો કે સરકારી પ્રોજેક્ટોના નિર્માણ કાર્યમાં છુટ આપવામાં આવી છે. વાસ્તવમાં ધૂળનો ફેલાવો બાંધકામ પ્રોજેક્ટથી જ થાય છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે દરેક બાંધકામ સાઈટ પર રોક લગાવવાનું અનિવાર્ય થઇ પડ્યું છે. સરકારી પ્રોજેક્ટોને પણ છુટ્ટ ન મળવી જોઇએ.
પાટનગર દિલ્હીનો એર ક્વોલીટી ઇન્ડેક્સ 392 હતો તેમાં આજે ખતરનાક વધારો થયો છે. એટલું જ નહીં આવતા બે દિવસ હજુ વધુ ખરાબ સ્તરે પહોંચી શકવાની ચેતવણી આપવામાં આવી છે.