રાજકોટની ચારેય બેઠક ઉપર ભારે ખેંચતાણ બહાર આવી
હાલના મંત્રીના વિકલ્પે 15થી વધુ દાવેદારો : જે નામ નિરીક્ષકો પાસે નથી મુકાયા તેને પણ ટિકીટ મળી શકે-ભાજપ
- Advertisement -
વિધાનસભા-69માં વિજયભાઇના વિકલ્પ રૂપે ધારાશાસ્ત્રી અનિલ દેસાઈ, કશ્યપ શુક્લ તથા રૂપાણીની નજીકના નિતીન ભારદ્વાજ, બીનાબેન આચાર્યને ટિકીટ આપવા માંગણી
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય તો દૂર, રાજકોટમાં પડયો બોલ ઝીલાય તેવા નેતાની કમી વચ્ચે ભાજપ દ્વારા સૌરાષ્ટ્રના રાજકારણના એપીસેન્ટર રાજકોટની ચાર બેઠકો માટે સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરાતા તીવ્ર આંતરિક ખેંચતાણ સપાટી પર આવી હતી. રાજકોટ (વેસ્ટ)-69 બેઠકના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે તો પોતાનું નામ રજૂ કર્યું નથી પરંતુ, કાર્યકરોના મોટા સમુહએ તેમનું નામ નિરીક્ષકો સામે મુક્યું હતું.
જો કે રૂપાણી મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે અને તેમને ચૂંટણી નહીં લડાવવાનો પક્ષ નિર્ણય લે તેવો વિકલ્પ પાર્ટીએ કાર્યકરો સામે મુકતા તેમના વિકલ્પે કલ્પક મણિયાર અને અંજલિબેન રૂપાણીએ તો દાવો નથી કર્યો પરંતુ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, ધારાશાસ્ત્રી અનિલ દેસાઈ, કશ્યપ શુક્લ તથા રૂપાણીની નજીકના નિતીન ભારદ્વાજ, બીનાબેન આચાર્યને ટિકીટ આપવા માંગણી કરાઈ છે.
રાજકોટ-68 બેઠકના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મંત્રી પદ અપાયું છે, તેમની સામે આંતરિક વિરોધ આજે ટિકીટની દાવેદારીથી વ્યક્ત થયો છે. તેમની સામે અશ્વીન મોલિયા, મુકેશ રાદડીયા, વલ્લભ દુધાત્રા, ખીમજી મકવાણા સહિત જુના જોગીઓએ ભારપૂર્વક દાવેદારી કરી છે.
સતત ત્રણ ટર્મથી ગોવિંદ પટેલ જ્યાંથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાય છે ત્યાં હવે નેતાઓ, કાર્યકરોએ પરિવર્તનની ઝંખના કરી છે. નિરીક્ષકો સમક્ષ ભાજપના પૂર્વ ડે.મેયર, સ્ટે.ચેરમેન અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ માટે ભારપૂર્વક ટિકીટ માંગવામાં આવી છે. તેઓ ઓ.બી.સી.સમાજમાંથી આવે છે. તો આ બેઠક પર આપા ગીગાના ઓટલાના મહંત અને વિશ્વકર્મા સમાજમાંથી આવતા નરેન્દ્ર સોલંકીએ ખુલ્લી દાવેદારી નોંધાવી છે.
રાજકોટ દક્ષિણ તરીકે ગણાતી આ બેઠક પર ખોડલધામના અગ્રીમ ટ્રસ્ટીઓએ વડાપ્રધાન સાથે મુલાકાત બાદ રમેશ ટીલાળાને ટિકીટ મળે તેવી વાત વહેતી થઈ છે ત્યારે આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલ, પ્રદેશ પ્રમુખની નજીકના ગણાતા જસદણના ડો.ભરત બોઘરા, પંદરેક વર્ષથી ટિકીટની આશા રાખતા ધનસુખ ભંડેરી, ઉપરાંત પૂર્વ મેયર ડો.જયમન ઉપાધ્યાય, નિતીન રામાણી, વિનુ ધવા, સંજય ધવા સહિત નેતાઓના નામ રજૂ થયા છે. રાજકોટ અનામત બેઠક માટે પણ ધારાસભ્ય લાખા સાગઠીયા સામે અગાઉ આ બેઠક પર જેમનું પત્તુ કપાયું તે પૂર્વ ધારાસભ્ય, વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરિયા ઉપરાંત મનોજ રાઠોડ, અનિલ મકવાણા સહિતના નેતાઓએ ટિકીટ માંગી છે.