ધનતેરસનાં ખરીદી કરવા લોકો ઉમટી પડ્યાં: શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક
વાકબારસનાં દિવસે સરસ્વતી પૂજન કરાયું: લક્ષ્મી મંદિરમાં તૈયારીઓ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હિન્દુ નવા વર્ષને વધાવવા લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં દિવાળીનાં તહેવારને લઇ લોકોમાં ઉમંગ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. જૂનાગઢની બજારમાં દિવાળી જોવા મળી રહી છે. દિવાળીનાં તહેવારને લઇ લોકો છેલ્લી ઘડી સુધી ખરીદી કરી રહ્યાં છે. શહેરની મુખ્ય બજારમાં લોકોની ભીડ જોવા મળી હતી. દિવાળીનાં તહેવારને લઇ લોકો ખરીદી કરવા આવતા રસ્તા ઉપર ટ્રાફીક જોવા મળ્યો હતો.આજે ધનતેરસ હોય લોકો વિશેષ ખરીદી કરી હતી. શહેરનાં પંચહાટડી વિસ્તારમાં સવારથી લોકોને પ્રવાહ જોવા મળે છે. સવારનાં ભાગે ગામડાની ખરીદી હોય છે. બપોર બાદ શહેરનાં લોકો પરિવાર સાથે ખરીદી કરતા નજરે પડે છે. આ ઉપરાંત શહેરમાં આવેલા મોલમાં પણ ભારે ટ્રાફીક જોવા મળ્યો હતો. જૂનાગઢનાં દાણીપીઠમાં આવેલા લક્ષ્મી માતાજીનાં મંદિરે દિવાળીને લઇ તૈયારી કરવામાં આવી છે. આજે પણ લોકો દર્શનાર્થે આવ્યાં હતાં. તેમજ જૂનાગઢમાં વાકબારસનાં દિવસે સપ્તક સંગીત વિદ્યાલયનાં વિપુલભાઇ ત્રિવેદી દ્વારા સરસ્વતી પુજન કરવામાં આવ્યું હતું. આજે સાંજથી ધનતેરસનો પ્રારંભ થશે. સાંજનાં વેપારીઓ દ્વારા ધનતેરસની પુજા કરવામાં આવશે. સોમવારનાં પ્રકાશનાં પર્વની ઉજવણી કરવામાં આવશે.