જ્ઞાતિના ખભે બંદૂક રાખી ફરી નરેશ પટેલે રાજકીય ફાયરિંગ કર્યું
જ્ઞાતિના ખભે બંદૂક રાખી ફરી નરેશ પટેલે રાજકીય ફાયરિંગ કર્યું છે. ખોડલધામ કાગવડ ખાતે નરેશ પટેલની અધ્યક્ષતામાં લેઉવા પટેલ સમાજની બેઠક મળી હતી જેમાં સમાજની વસ્તી પ્રમાણે તેના પ્રભુત્વને લઇને ભાજપ કોંગ્રેસના નેતાઓ સામે સવાલો ઉભા કરતા સટાસટી બોલાવી હતી.બંન્ને રાજકીય પાર્ટીમાં નેતૃત્વ હોવા છતા પ્રભુત્વનો અભાવ હોવાની ટકોર કરી હતી..
આ બેઠકમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયા, જયેશ રાદડિયા, ભરત બોઘરા, ધનસુખ ભંડેરી સહિત લેઉવા પટેલ સમાજના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા તો વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી,વિરજી ઠુમ્મર લલિત વસોયા સહિત કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં વ્યસનમુક્તિ, છુટાછેડા જેવા સામાજિક મુદ્દાની ચર્ચા થઇ પરંતુ જ્યારે નરેશ પટેલે સમાજને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવતો હોવાની અને પ્રભુત્વ નહિ મળતું હોવાની વાત કરતા તમામ નેતાઓ સ્તબ્ધ થઇ ગયા હતા..
સૂત્રોના કહેવા પ્રમાણે નરેશ પટેલે પાટીદાર સમાજના અધિકારીઓનું પોસ્ટીંગ પણ કરાવી શકાતું નથી તેવો વસવસો વ્યક્ત કર્યો હતો.નરે શ પટેલે ટકોર કરી હતી કે ઘણાં કિસ્સામાં લેઉવા પટેલ સમાજના યુવાનોને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે રાજકીય વ્યક્તિઓેએ આગળ આવવાની પણ અપીલ કરી હતી..
સામાજિક એકતાની આ બેઠકમાં રાજકીય અગ્રણીઓની એન્ટ્રીથી રાજકીય છાંટ પણ જોવા મળી.તેમાં પણ દરેક ચૂંટણી પહેલા ખોડલધામ ચર્ચાનું કેન્દ્ર બને છે અને લેઉવા પટેલ સમાજને પ્રભુત્વ મળે તેવી તેની લાગણી હોય છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ બેઠક પણ ઘણી જ સૂચક છે. નરેશ પટેલ કોઇપણ રાજકીય પાર્ટીમાં સીધી રીતે જોડાયેલા નથી પરંતું દરેત ચૂંટણીમાં દહીં અને દૂધ બંન્નેમાં પગ હોય તેમ બંન્ને રાજકીય પાર્ટીઓમાં પોતાનું મહત્વ પ્રસ્થાપીત કરવાની કોશિશ કરે છે.જો કે એ વાત અલગ છે તે ગત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ બેઠકમાં કોંગ્રેસના પ્રચાર કરવા છતા ત્રણેય બેઠક પર ભાજપનો વિજય થયો હતો.. ખોડલધામ એક સામાજિક સંસ્થા છે પરંતુ દરેક ચૂંટણી વખતે તે રાજકીય અખાડો બની જાય છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાનો નરેશ પટેલનો સામાજિક બેનર હેઠળનો રાજકીય એજન્ડા કેટલો અસરકારક નિવડે છે તે તો આગામી સમય જ બતાવશે…
સળગતા પ્રશ્ર્નો
-શું પાટીદારો રાજકીય એકલતા અનુભવે છે?
– સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવા-જૂની થશે?
-પાટીદાર આગેવાનોએ કેમ યોજી બેઠક?
– ભાજપ-કોંગ્રેસના પાટીદાર આગેવાનોની હાજરી શું સૂચવે છે?
– અનામત આંદોલન પછી પાટીદારોની સામે તમામ જ્ઞાતિઓ છે?
– શું રાજકીય રીતે પાટીદારોનું વજૂદ ઓછું થઈ રહ્યું છે?
– કોંગ્રેસ-ભાજપથી પરે સમાજનું તટસ્થ વલણ ન હોઈ શકે?
– સામાજિક ક્રાંતિને કારણે સરકાર અને સમાજને અણગમતા થયા?
– રાજકીય અસ્તિત્વ પાટીદારો માટે કેટલું મહત્વનું છે?
– પાટીદાર સમાજનું આગળના 20 વર્ષનું લક્ષ્યાંક શું છે?
- Advertisement -
સમાજના પ્રશ્ર્નોને લઈને અમે ભેગા થયા હતા-નરેશ પટેલ
ખોડલધામ નરેશ પટેલે પણ બચાવ કરતા જણાવ્યું હતુ કે, આ બેઠક મળી તેનો કોઈ રાજકીય હેતુ નથી. ચૂંટણીને લઇને કે રાજકીય બાબતો મુદ્દે ચર્ચા નથી કરાઇ. દર 3 મહિને બેઠક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો આ મુદ્દે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન પણ સામે આવ્યું હતુ તેમણે પણ રાજકારણ અંગેની ચર્ચા ન કરાઈ હોવાનું જણાવ્યું હતુ. સમાજના મજબૂત બને તે માટે ચર્ચા કરાઈ હોવાનો કિરિટ પટેલે પણ રાગ આલાપ્યો હતો.
આ બેઠકને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી : રાદડિયા
જયેશ રાદડિયાએ આ અંગે સ્પષ્ટતા કહ્યું કે, આ બેઠકને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. સમાજના પ્રશ્ર્નોને લઇ ચર્ચા કરવામાં આવી રહી હતી. પાટીદાર સમાજ માટે આ બેઠક હતી.
કોણ કોણ રહ્યું હાજર?
નરેશ પટેલ, પરેશ ધાનાણી, જયેશ રાદડિયા, ગોરધન ઝડફિયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા એટલું જ નહીં પરંતુ લલિત વસોયા, કિરીટ પટેલ,ગોપાલ ઇટાલિયાની પણ હાજર રહેતા લોકો એક વત્તા એક બરાબર બે એમ કરીને તડજોડના રાજકારણની ચર્ચાએ વળગ્યા હતા.


